ગુજરાત
News of Tuesday, 5th June 2018

રાણીપ : બંધ મકાનમાંથી છ જણાં જુગાર રમતા ઝડપાયા

રોકડ રકમ સહિત ૯૮ હજારનો મુદ્દામાલ જપ્ત : બાતમીના આધાર ઉપર દરોડા પાડી આરોપીઓને જુગાર રમતા રંગેહાથે ઝડપી લીધા : આઠ મોબાઇલ પણ કબજે

અમદાવાદ,તા.૫ : શહેરના રાણીપ વિસ્તારમાં સુંદરવન ફ્લેટના બંધ મકાનમાંથી પિતા-પુત્ર સહિત છ લોકોને રાણીપ પોલીસ અને એલ ડિવિઝન એસીપીની ટીમે જુગાર રમતાં ઝડપી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે ગઈકાલે મોડી સાંજે બાતમીના આધારે ફલેટના બંધ મકાનમાં દરોડો પાડ્યો હતો. જે દરમ્યાન પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને આઠ મોબાઈલ સહિત ૯૮ હજારનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાણીપ પોલીસ અને એલ ડિવિઝન એસીપી અર્પિતા પટેલની ટીમને બાતમી મળી હતી કે રાણીપના નવા બનતા જીએસટીબ્રિજ પાસે આવેલ સુંદરવન ફ્લેટમાં બીજા માળે આવેલા બંધ મકાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે, જેના આધારે રાણીપ પોલીસ અને એસીપીની ટીમે મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી હિતેશ બાબુભાઇ પંચાલ, વિશાલ હિતેશભાઇ પંચાલ (બંને રહે. સુંદરવન ફ્લેટ, રાણીપ), સંદીપ ગોહિલ (રહે. સુંદરવન ફ્લેટ, રાણીપ), અનિલ મિસ્ત્રી (રહે. સુંદરવન ફ્લેટ, રાણીપ), રોહિત પરમાર (રહે. દેવભૂમિ ફ્લેટ, રાણીપ) અને રવિ મહેતા (રહે. આઈસીબીટી ફ્લેટ,, ગોતા)ને તીનપત્તીનો જુગાર રમતાં ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા ર૦,૪પ૦ અને ૮ મોબાઈલ કિંમત ૭૭૦૦૦ મળી કુલ ૯૮ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુગાર રમતાં ઝડપાયેલા આરોપીઓ તે જ ફ્લેટમાં જ રહે છે. કોઈને શંકા ન જાય તે માટે ફ્લેટમાં બંધ મકાન હોઈ તેનો ઉપયોગ કરતા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. જો કે, બંધ મકાનમાંથી પિતા-પુત્ર સહિત છ જણાં જુગાર રમતાં ઝડપાતાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:33 pm IST)