ગુજરાત
News of Tuesday, 5th June 2018

સાબરમતી જેલમાં મોબાઇલ મળી આવતાં અનેક સવાલો

જેલ સત્તાવાળાઓની સુરક્ષા વ્યવસ્થાને લઇ પ્રશ્નાર્થ : સાબરમતી નવી જેલમાં શાંતિ નિકેતન બેરેક નંબર-૩માં શૌચાલય પાસે સાવરણીથી ફોન મળતાં સંકુલમાં ચકચાર

અમદાવાદ,તા. ૫ : શહેરની સાબરમતી જેલમાંથી ફરી એકવાર મોબાઈલ મળી આવવાની ઘટના બની આવતાં જેલ સંકુલમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ચેકિંગ દરમ્યાન નવી જેલની બેરેકમાંથી સાવરણીમાં છુપાવેલો બિનવારસી મોબાઈલ મળી આવતાં રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજીબાજુ, જેલ સત્તાવાળાઓએ અગાઉની જેમ પોતાનો લૂલો બચાવ ચાલુ રાખ્યો હતો કે, આસપાસના રહેણાંક વિસ્તાનરા લીધે કોઇ બહારથી જેલમાં મોબાઇલ ફેંકીને જતા રહેતા લાગે છે. જો કે, જેલ સત્તાધીશોનો આવો બચાવ કે ખુલાસો ગળે ઉતરે તેવો નથી. રાજ્યની જેલના વડાની જડતી સ્ક્વોડ દ્વારા ગઈ કાલે બપોરે સાબરમતી નવી જેલમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેલની જડતી સ્ક્વોડના માણસો સાથે નવી જેલમાં ચેકિંગ દરમ્યાન શાંતિનિકેતન બેરેક નંબર-૩માં તપાસ કરતાં શૌચાલય પાસે સાવરણીમાંથી એક બિનવારસી મોબાઇલ મળી આવ્યો હતો. સાવરણીમાં કોઈ કેદીએ મોબાઈલ છુપાવી દીધો હતો. જડતી સ્ક્વોડે મોબાઈલ જપ્ત કરીને તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યો હતો. જડતી સ્ક્વોડના જેલર દ્વારા અજાણી વ્યકિત સામે પ્રિઝન એક્ટ મુજબ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સાબરમતી જેલમાંથી મોબાઈલ મળી આવવાની ઘટનાઓ બની છે. ગઈકાલે રાજ્યની જેલના વડાની ઝડતી સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી અને મોબાઈલ મળી આવતાં જેલતંત્ર સામે ફરી સવાલ ઊભા થયા છે.

જેલના અધિકારીઓ પોતાનો બચાવ કરતાં આજુબાજુમાં આવેલા રહેણાક વિસ્તારના લીધે કોઈ બહારથી જેલમાં મોબાઈલ ફેંકીને જેલમાં ફોન પહોંચાડતા હોવાનું જણાવી રહ્યા છે પરંતુ દર વખતે એકનો એક જેલ સત્તાધીશોનો બચાવ કે ખુલાસો ગળે ઉતરી શકે તેમ નથી. મોબાઇલ સહિતની અનેક વાંધાજનક ચીજવસ્તુઓ મળી આવવાની ઘટનાઓમાં જેલની સુરક્ષા વ્યવસ્થા અને જાપ્તાના નેટવર્કમાં કયાંક ઉણપ હોવાનું સ્પષ્ટ થાય છે.

(8:33 pm IST)