ગુજરાત
News of Tuesday, 5th June 2018

અસહ્ય ગરમીના કારણે ગાંધીનગરમાં હોસ્પિટલમાં દર્દીઓને વલખા મારવાની નોબત આવી

ગાંધીનગર: સિવિલ હોસ્પિટલ હાઇટેક સુવિધાઓથી સજ્જ થઇ રહી છે. ત્યારે દર્દીઓને ઉત્તમ સુવિધાઓ મળી શકે તે માટે નવા વોર્ડ પણ બનાવવામાં આવ્યાં છે. ત્યારે નવું બિલ્ડીંગ જ્યારથી ઉભું કરવામાં આવ્યું છે ત્યારથી વિવિધ સમસ્યાનો સામનો કરી રહ્યું છે અને દર્દીઓને ભોગ બનવું પડે છે. હાલમાં આ બિલ્ડીંગમાં સાતમાં અને આઠમાં માળે રાત્રીના સમયે લાઇટ તેમજ પાણીની સુવિધા નહીં હોવાથી દર્દીઓને હેરાન પરેશાન થવું પડે છે. રાજ્યના પાટનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં રોજના અસંખ્ય દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યાં છે. ત્યારે ઇન્ડોર દર્દીઓ માટે પણ સિવિલમાં વિવિધ વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે સારી સુવિધા દર્દીઓને મળી શકે તે માટે સિવિલ કેમ્પસમાં જ થોડા સમય અગાઉ બહુમાળી બિલ્ડીંગ ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં સારવાર અર્થે આવતા દર્દીઓને વિવિધ સુવિધાઓ મળી શકે તે પ્રકારનું આયોજન આ બિલ્ડીંગમાં ઉભું કરાયું છે. પરંતુ અવાર નવાર અનેક સમસ્યાનો સામનો દર્દીઓ કરી રહ્યાં છે. હાલમાં લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે નવા બિલ્ડીંગના સાતમાં અને આઠમાં માળે રાત્રીના સમયે લાઇટની સુવિધા ન હોવાથી દર્દીઓની હાલત પણ કફોડી બની રહી છે.

(5:47 pm IST)