ગુજરાત
News of Tuesday, 5th June 2018

માનસિક બિમાર લોકોની સારવાર, સંભાળ અને પુનઃસ્થાપન માટે સરકાર કેન્દ્રો ખોલશે

તણાવયુકત જીવનશૈલીના કારણે ઉદ્ભવતી સમસ્યાઓ નિવારવા સેવા : માનસિક રોગના ખાનગી ડોકટરને સરકાર પ્રતિ કલાકના રૂ. ૭૦૦ થી ૯૦૦ આપશે

રાજકોટ તા. પ :.. રાજય સરકારે માનસીક તકલીફવાળા લોકો માટે કોગ્નિટીવ (જ્ઞાનાત્મક) અને ઇમોશનલ (ભાવાત્મક) વિકાસ કેન્દ્ર ખોલવાનું નકકી કર્યુ છે. આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા સેકશન અધિકારી આર. એફ. વસાવાની સહીથી તા. ૧ જુન ર૦૧૮ ના દિવસે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે રાજય સરકારે સ્વસ્થ ગુજરાત અને તંદુરસ્ત ગુજરાતનો અભિગમ અપનાવેલ છે. રાજય સરકાર આ અભિગમનને સાકાર કરવા માટે સતત ચિંતિત અને પ્રયત્નશીલ છે. રાજયમાં મળતી ઉત્કૃષ્ટ તબીબી સેવાઓ સાથે જાહેર આરોગ્યની સેવાઓ સાથે માનસિક આરોગ્યની સેવાઓ ગ્રામ્ય સ્તર સુધી મળી રહે તે જરૂરી છે. વર્તમાન તણાવયુકત જીવન શૈલીના કારણે સામાન્ય માનસિક બિમારીઓ તરૂણો, મહિલાઓ, યુવાનો અને વૃદ્ધોમાં જોવા મળે છે. બાળકોમાં ગર્ભાવસ્થા અને જન્મ તેમજ ત્યાર પછી સામાજીક અને જૈવિક કારણોસર મગજના વિકાસ, બુદ્ધિના વિકાસને અસર થવાથી ઘણી વખત મન અને લાગણીઓની સમસ્યાઓ તેમજ વર્તણૂંકની સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યાઓને જલ્દીથી ઓળખી તેને તબીબી સારાર આપવામાં આવે તો બાળકને ભવિષ્યમાં થતી માનસિક બીમારીઓ અને વર્તણૂંક સમસ્યાઓનો અટકાવ કરી શકાય.

(3:35 pm IST)