ગુજરાત
News of Tuesday, 5th June 2018

AMCના વિપક્ષી નેતાપદ માટે જામતો ગજગ્રાહ

પ્રદેશ પ્રમુખ પર દબાણ વધારાયુ : દિનેશ શર્માને હટાવવા સહિ ઝુંબેશઃ ધારાસભ્ય પટેલ - પરમાર ઉપરાંત બદરૂદ્દીન શેખે બાયો ચડાવ્યાની ચર્ચાઃ જોકે અંદરોઅંદર પણ વિખવાદ રાજકોટમાં પણ છાનાખૂણે સ્પર્ધા

રાજકોટ તા. ૫ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના મહાનગરોમાં મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, ડેપ્યુટી મેયર તથા વિપક્ષી નેતાઓની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં નવી નિમણૂંકો માટે બંને પક્ષમાં કવાયત આદારાઇ છે ત્યારે અમદાવાદમાં વિપક્ષી નેતા પદ માટે વર્તમાન નેતા સામે સહિ ઝુંબેશ શરૂ કરી તેમને હટાવવા પ્રયાસો આદરાયા છે તો રાજકોટ શહેરમાં પણ છાનાખૂણે સ્પર્ધા જામી છે.

ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારની જોડીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ઉપર પ્રેશર ટેકિનક અપનાવી છે. AMCના વિપક્ષના નેતા દિનેશ શર્માને હટાવવા માટે કોર્પોરેટરોની સહી ઝુંબેશ હાથ ધરી છે જેમાં ૩૭ કોર્પોરેટરોએ સહી કરી હોવાનો દાવો છે. શહેરમાં નેતાગીરીમાં આ બે નેતા સિવાય અન્ય કોઇ નેતા આગળ ન વધી જાય તે માટે દિનેશ શર્માનું પત્ત્।ંુ કાપવાની ફિરાક છે જેમાં અમિત ચાવડા ઉપર દબાણ લાવી તેમના માનીતાને બેસાડવા દોડધામ છે.

AMCના વિપક્ષના નેતાને હટાવવા માટે હિંમતસિંહ, શૈલેષ પરમાર અને બદરૂદ્દીન શેખ મેદાને પડયાં છે. અન્ય બે ધારાસભ્યો અને સિનિયર કોર્પોરેટરો તેમની મૂવમેન્ટમાં જોડાયા નથી. હિંમતસિંહ, શૈલેષ પરમાર અને બદરૂદ્દીન શેખ વચ્ચે પણ પોતાના કોર્પોરેટરને વિપક્ષના નેતા બનાવવા મુદ્દે ગજગ્રાહ સર્જાઇ શકે તેમ છે. હિંમતસિંહ તેમના ખાસ વિશ્વાસુ કોર્પોરેટર જે.ડી. પટેલને, શૈલેષ પરમાર તેમના ખાસ ગણાતાં કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણને વિપક્ષના નેતા બનાવવા માગે છે. બદરૂદ્દીન શેખ પોતે અથવા તો કોર્પોરેટર કમળાબહેન ચાવડાનું નામ આગળ કરી રહ્યાં છે. જેથી તેઓ પડદા પાછળ રહી કામ કરી શકે છે. જો પાર્ટી વિપક્ષના નેતાને બદલવા માગે તો સિનિયર કોર્પોરેટર તૌફિકખાન પઠાણ, હસનલાલા અને સુરેન્દ્ર બક્ષી આગળ રહેશે. જયારે યુવા ચહેરામાં રાજશ્રી કેસરીનું નામ આગળ છે. સહી ઝુંબેશ કરનાર ત્રિપુટી નવા બનેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપર દબાણ લાવી ધાર્યું કરાવવા માગે છે કેમ કે, દિનેશ શર્મા વિપક્ષના નેતાપદે બેઠા બાદ ત્રિપુટીનું કોર્પોરેશનમાં વર્ચસ્વ ઘટયું છે.

(9:07 pm IST)