ગુજરાત
News of Tuesday, 5th June 2018

CBSE સ્કૂલોને ૪ દિવસનું અલ્ટિમેટમઃ ૫ વર્ષ સુધીના બાળકોને પ્રવેશ આપો

શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો : CBSE સ્કૂલોને પ્રવેશના નિયમો દેખાડયા : જે તે રાજ્યમાં ચાલતા નિયમો જ લાગુ પડશે

રાજકોટ તા. ૫ : રાઈટ ટુ એજયુકેશન એકટ (RTE) પ્રવેશ નિયમ પાલનનું જ્ઞાાન આપતી સીબીએસઈ બોર્ડ સાથે સંલગ્ન ખાનગી સ્કૂલોને રાજયના શિક્ષણ વિભાગે નિયમોનું ભાન કરાવ્યુ છે. ગરીબ બાળકોને પ્રવેશ ન આપી શિક્ષણનો છેડ ઉડાડતી સીબીએસઈ સ્કૂલોને પ્રવેશ આપી દેવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ચાર દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યુ છે. શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરી સીબીએસઈ સ્કૂલોને આરટીઈ પ્રવેશના નિયમો દેખાડયાં છે.

આરટીઈ પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. પરંતુ પ્રથમ રાઉન્ડમાં સીબીએસઈ સ્કૂલો દ્વારા આરટીઈ હેઠળ ફાળવેલ ગરીબ બાળકોને પ્રવેશ આપવાનો ઈનકાર કરવામાં આવ્યો છે. જેમાં સ્કૂલો દ્વારા વાલીઓ અને શિક્ષણ વિભાગને સીબીએસઈ ગાઈડલાઈનના નિયમો દેખાડવામાં આવ્યાં છે કે, અમારી સ્કૂલોમાં ધોરણ.૧માં પ્રવેશ માટેની ઉંમર ૬ વર્ષની જે જયારે આરટીઈ હેઠળ ફાળવેલ બાળકોની ઉંમર ૫ વર્ષની છે. જેથી આ બાળકોને ધોરણ.૧માં પ્રવેશ આપવામાં આવશે નહી. જોકે આ વિવાદ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહ્યો છે અને વકર્યો પણ છે. જેના ભાગરૂપે સોમવારે શિક્ષણ વિભાગ દ્વારા સીબીએસઈ સ્કૂલોને ઉદેશીને એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યુ છે કે, સીબીએસઈ દ્વારા નિયત કરાયેલા પ્રવેશના નિયમોના નિયમ નં.૬ના પેટા નિયમ ૬.૧માં સ્પષ્ટપણે જણાવ્યુ છે કે, કોઈપણ રાજયમાં ચાલતી સીબીએસઈ સ્કૂલોને જે-તે રાજયના પ્રવેશ પ્રક્રિયાનો નિયમો લાગુ પડશે અને તેનો અમલ કરવાનો રહેશે. માટે ગુજરાતમાં પ્રવેશ નિયમોમાં ધો.૧ માટે ૫ વર્ષની વય નક્કી કરે છે. જે સીબીએસઈ સ્કૂલોને પણ લાગુ પડે છે. માટે આરટીઈ હેઠલ ફાળવેલ ૫ વર્ષના બાળકોને પ્રવેશ આપવો ફરજિયાત છે.(૨૧.૧૪)

(11:36 am IST)