શિક્ષણ માફિયા બેફામ : વાલીઓ લૂંટાઇ રહ્યા છે
કારકિર્દીના ઉંબરે ધો. ૧૨ પછી શું? કોંગ્રેસની ઇ-બુક લોન્ચ થઇ : ચુંટણી સમયે ફી ઓછી કરી નાંખીના બણગા ફૂંકયા અને પૂરી થયા પછી શાળા સંચાલકોને બેફામ બનાવી છૂટ!!
રાજકોટ તા. ૫ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 'કારકિર્દીના ઉંબરે' ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા અને વિપક્ષ નેતા શ્રી પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રવકતા ડો.મનીશ દોશી અને તેમની ટીમે તૈયાર કરેલા આ પુસ્તકના વિમોચન બાદ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, ભાજપ સરકારના ૨૨ વર્ષના શાસનમાં શિક્ષણનું ખાનગીકરણ થઈ ગયું છે. સરકાર ગ્રાન્ટેડ શાળાઓ પ્રત્યે દુર્લક્ષ સેવી રહી છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. વિપક્ષ નેતાએ કહ્યું કે, ભાજપના રાજમાં શિક્ષણ માફિયા બેફામ બનતાં, સરકાર ફી નિયંત્રણના કાયદાનો અમલ કરાવી શકતી નથી.કોંગી આગેવાનોએ કહ્યું કે, ચૂંટણી સમયે ભાજપે ખાનગી શાળાઓમાં ફી ઓછી કરી નાંખી તેવા દાવા કરતા હોર્ડિંગ્સ લગાવ્યા હતા. જોકે ચૂંટણી પૂરી થયા પછી વાલીઓ લૂંટાય તે માટેનો પરવાનો આપી દીધો એટલે શાળા સંચાલકો બેફામ બન્યા છે અને મોંઘીદાટ ફી વસૂલી રહ્યા છે.