ગુજરાત
News of Wednesday, 5th May 2021

સિટી સ્કેન કરવાથી કોઇ જોખમ કે કેન્સર થતું નથી

ડૉક્ટરની સલાહ ખુબ જ જરૂરી : કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સારવાર કેવી રીતે વધુ ઝડપી બનાવવી તેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે

અમદાવાદ,તા.૫ :કોરોના મહામારી વચ્ચે રેપીડ ટેસ્ટ, આરટી-પીસીઆર અને એચઆરસિટી કરવા માટે લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. વધુ પડતા સિટી સ્કેન ન કરાવવા અંગે એઇમ્સના વડા ડૉક્ટર ગુલેરિયાએ જણાવ્યું હતું કે, આનાથી કેન્સર થવાનું જોખમ રહે છે. ડૉક્ટર ગુલેરિયાના નિવેદન અને સિટી સ્કેન કેમ કરાવવું જોઈએ તે અંગે આઈઆરઆઈએના પૂર્વ પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય રેડીયોલોજી સોસાયટીના સભ્ય ડૉક્ટર હેમંત પટેલ જણાવી રહ્યા છે કે, ડૉક્ટરોની સલાહ લીધા બાદ સિટી સ્કેન કરવું જોઈએ. આમ કરવાથી કોરોનાના વધુ પડતા લક્ષણો અંગે જાણી શકાય છે અને તેની ઝડપથી સારવાર કરી શકાય છે. સિટી સ્કેન કરવાથી કેન્સર ન થતું હોવાનું પણ ડૉક્ટર પટેલે જણાવ્યું હતું. ડૉ હેમંત પટેલ વધુમાં જણાવ્યુ હતુ કે, જે રીતે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સારવાર કેવી રીતે વધુ ઝડપી બનાવવી તેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. કોરોનાના સામાન્ય લક્ષણો વાળા દર્દીએ ચોક્કસ પહેલા આરટી-પીસીઆર ટેસ્ટને પ્રાધાન્ય આપવું જોઇએ. જો દર્દીને કોરોનાના તાવ અને અન્ય લક્ષણો વધારે હોય તો તેવા વ્યક્તિએ સિટી ચોક્કસ સિટી સ્કેન કરવું જોઈએ. જેના પગલે તે વ્યક્તિને કેટલું સંક્રમણ થયું છે તેની અસર જાણી શકાય છે. ફેફસાંમાં કેટલું ઇન્ફેક્શન છે તેના આધારે જરૂરી સારવાર કરાવી શકાય છે.

           વધુના ડૉક્ટર પટેલ કહ્યુ હતુ કે, કેટલાક કિસ્સામાં આરટી-પીસીઆર નેગેટિવ આવે છે છતાં કોવિડનાં લક્ષણો વધુ પડતા હોય, સતત ઉધરસ કે શરદી રહે તેવા વ્યક્તિએ ડૉક્ટરની સલાહ બાદ સિટી સ્કેન કરાવવું જોઈએ. ડૉક્ટર પટેલે એઇમ્સના વડા ડૉક્ટર ગુલેરિયાના નિવેદન પર અસહમતિ દર્શાવતા કહ્યુ હતુ કે, ડૉ ગુલેરિયાએ ક્યા ઉદ્દેશ્યથી નિવેદન આપ્યું છે તે વાત તેમને ખબર હશે. પરંતુ સિટી સ્કેન કરવાથી કેન્સરનું કોઈ જોખમ ઊભું થતું નથી. આજે ૨૧મી સદીમાં આધુનિક મશીન આવી ગયા છે. રેડિયસનો કોઇ ખતરો રહેતો નથી. ડૉક્ટર ગુલેરિયા કદાચ જૂના લિટરેચર પર વાત કહી રહ્યા છે. આધુનિક મશીનના સમયમાં સિટી સ્કેનથી કોઈ હાનિ પહોંચતી નથી. મહત્ત્વપૂર્ણ છે કે એઈમ્સના વડા ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યુ હતુ કે, કોરોનાથી ગભરાઈને જે દર્દીઓ વારંવાર સિટી સ્કેન કરાવે છે તેઓ મોટું જોખમ વહોરી રહ્યા છે. તેમને સિટી સ્કેનથી કેન્સરનું જોખમ થઈ શકે છે. એક સિટી સ્કેનથી અંદાજે ૩૦૦થી ૪૦૦ ચેસ્ટ એક્સ રે જેટલું રેડિયેશન થાય છે. વિશેષરૂપે યુવાનવયે વારંવાર સિટી સ્કેન કરાવવાથી જીવનના પાછળના તબક્કામાં કેન્સરનું જોખમ વધી જાય છે. એઈમ્સના વડાએ ઉમેર્યું કે, અકારણ સિટી સ્કેન કરાવીને તમે પોતાને વધુ નુકસાન પહોંચાડી રહ્યા છો. તમને હળવું ઈન્ફેક્શન હોય, દર્દી હોમ આઈસોલેશનમાં હોય અને ઓક્સિજનનું લેવલ યોગ્ય હોય તો સિટી સ્કેન ન કરાવવો જોઈએ.

 

(9:05 pm IST)