ગુજરાત
News of Wednesday, 5th May 2021

ધોરણ ૧૦માં માસ પ્રમોશન આપવા મુદ્દે વાલી મંડળે હાઈકોર્ટમાં PIL કરી

સરકાર તરફથી કોઈ નિર્ણય ન લેવાતા વાલી મંડળે કોર્ટના દરવાજા ખટખટાવ્યા

અમદાવાદ, તા.૫: રાજયના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે. રાજય સરકારે આગામી તારીખ ૧૫મી મેના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. ત્યારે ધોરણ ૧૦ માં માસ પ્રમોશન આપવામાં આવે તેવી વાલી મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે.

ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા આજે ગુજરાત હાઇકોર્ટમાં PIL કરવામાં આવી છે. ધોરણ ૧૦ માં માસ પ્રામોશન આપવા બાબતે PIL કરાઈ છે. કોવિડની મહામારીમાં બીજા અનેક રાજયોમાં ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા રદ કરી હોવાનો ઉલ્લેખ પીઆઈએલમાં કરાયો છે. ત્યારે ગુજરાત સરકાર તરફથી કોઈ નિર્ણય ન લેવાતા વાલી મંડળે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.

સમગ્ર રાજયમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ઘ્યાનમાં લઇને રાજય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લેતા જાહેર કર્યું છે કે, સમગ્ર રાજયમાં ધોરણ ૧ થી ૧૨ ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી ૧૦ મી મે સુધી અથવા રાજય સરકાર દ્વારા અન્ય આદેશ ના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. ત્યારે સરકારના આ નિર્ણયથી ગુજરાતભરના વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશીનો મહોલ છવાયો હતો. કોરોના મહામારી વચ્ચે પરીક્ષા કેવી રીતે લેવાશે તેનો ડર હવે તેમના મનમાંથી દૂર થયો હતો. પરંતુ આ મહામારી અટકવાનું નામ નથી લઈ રહી. ઉપરથી કોરોનાના બીજા વેવમાં બાળકોના માથા પર સંકટ વધુ છે. અનેક બાળકોને કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. તેથી ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ધોરણ ૧૦ ને પણ માસ પ્રમોશનની માંગણી કરવામાં આવી છે.

(3:58 pm IST)