ગુજરાત
News of Wednesday, 5th May 2021

આઇટીસી ૪નું ભૂત ફરી ધુણ્યું : રિટર્ન નહીં ભર્યું તો ૫૦ હજાર દંડની જોગવાઇ

જોબવર્ક કરનાર તમામે આઇટીસી ૪નું રિટર્ન ભરવાની ફરજ પડશે

સુરત,તા. ૫: જોબવર્ક કરનારા તમામે આઇટીસી ૪ રિટર્ન ભરવાનો નિયમ જીએસટીમાં લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ આજદિન સુધી સુરતના વેપારીઓ દ્વારા આઇટીસી ૪ રિટર્ન ભરવામાં આવ્યું નથી. જ્યારે આઇટીસી ૦૪ રિટર્ન નહીં ભરવાનાઓ પાસેથી ૫૦ હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવામાં આવશે તેવી ફરીથી જાહેરાત કરવામાં આવતા વેપારીઓમાં ચિંતા વધી છે.

જીએસટીનો કાયદો લાગુ કરવામાં આવ્યો ત્યારથી આજદિન સુધી આઇટીસી ૦૪ રિટર્નનો વિરોધ સુરતના વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમજ આઇટીસી ૦૪ રિટર્નની જોગવાઇ જ હટાવી દેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. તેના કારણે સુરતના કાપડ માર્કેટ સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા હજુ સુધી આઇટીસી ૦૪ ભરવામાં જ આવ્યું નથી. જેથી ચાર વર્ષ પહેલા લાગુ કરાયેલા જીએસટીમાં આઇટીસી ૦૪ રિટર્ન ભરવાનજા મુદ્દે કડક અમલ કરવામાં આવતો નથી, પરંતુ કડક અમલ કરવામાં આવે તો રિટર્ન નહીં ભરવા બદલ ૫૦ હજાર રૂપિયા સુધીનો દંડ વસુલ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ અત્યાર સુધી આઇટીસી ૦૪ રિટર્ન નહીં ભરનારા વેપારીઓ પાસેથી દંડ વસૂલ કરવાની શરૂઆત કરવામાં આવે તેવી પણ શકયતા રહેલી છે. આવી વાત માર્કેટ વિસ્તારના વેપારીઓમાં ફેલાતા તેઓની ચિંતામાં વધારો થયો છે. (૨૨.૧૦)

જો કડકાઇ શરૂ થાય તો વેપારીઓની મુશ્કેલી વધે

આ અંગે સીએ રાજેશ ભઉવાલાએ જણાવ્યું હતુ કે હજુ સુધી આઇટીસી ૦૪ રિટર્ન નહીં ભરનારા વેપારીઓ પાસેથી કડક રીતે કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ આગામી દિવસોમાં સરકાર દ્વારા આ દિશામાં કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતા રહેલી છે. તેના કારણે વેપારીઓ દ્વારા અત્યારથી જ તકેદારીના ભાગરૂપે રિટર્ન ભરે તે જ હિતાવહ છે. નહિતર રિટર્ન નહીં ભરનાર વેપારીઓ પાસેથી ૫૦ હજાર રૂપિયા સુધીમાં દંડની જોગવાઇ કરવામાં આવી છે. તેની કડક વસુલાત કરવામાં આવે તો વેપારીઓ પર મોટુ આર્થિક ભારણ આવે તેવી શકયતા સેવાઇ રહી છે.

(11:23 am IST)