ગુજરાત
News of Tuesday, 4th May 2021

કોરોના સામે એલોપેથી સાથે આયુર્વેદ દવા કારગત

ધન્‍વંતરી રથ સાથે જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા ઉકાળા અને શંશમનીવટી ઉપરાંત જરૂર હોય એવા લોકોને અન્‍ય આયુર્વેદિક દવાનું વિતરણ

વલસાડ: રાજય સહિત વલસાડ જિલ્લામાં સંક્રમણનું પ્રમાણ વધી રહયું છે. કોરોનાને હરાવવા વહીવટીતંત્ર, આરોગ્‍ય અને આયુર્વેદ વિભાગ ખૂબ જ મહેનત કરી રહયું છે. જિલ્લામાં જયાં સંક્રમણનું પ્રમાણ વધુ હોય ત્‍યા ધન્‍વંતરી રથ મોકલી લોકોનું સ્‍કીનિંગ કરવામાં આવે છે. શરદી, ખાંસી, ઉધરસ, સામાન્‍ય તાવ જેવી સામાન્‍ય બિમારી માટે જરૂરી સારવાર સાથે દવા પણ આપવામાં આવે છે. આ ધન્‍વંતરી રથ સાથે જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા ઉકાળા અને શંશમનીવટી  ઉપરાંત જરૂર હોય એવા લોકોને અન્‍ય આયુર્વેદિક દવા પણ આપવામાં આવે છે. જેના ઉત્તમ પરિણામો મળી રહયા છે. ધરમપુર તાલુકાના આંતરીયાળ ગામ એવા ખાંડા ગામમાં તાજેતરમાં ધન્‍વંતરી રથ દ્વારા સ્‍ક્રીનિંગ અને રેપીડ ટેસ્‍ટની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ચાર જેટલા વ્‍યક્‍તિ રેપીડ ટેસ્‍ટમાં પોઝીટીવ આવ્‍યા હતા. આ ચારેય દર્દીઓને ધન્‍વંતરી રથના તબીબ દ્વારા એલોપેથી દવા આપવામાં આવી હતી. આ તબીબી સારવાર વેળાએ ખાંડા આયુર્વેદ હોસ્‍પિટલ દ્વારા આયુર્વેદ ઉકાળો, શંશમનીવટીનું વિતરણ ચાલુ હતું. આ વેળાએ સરકારી આયુર્વેદ દવાખાનાના ડો. ભાવિન ચૌધરી પણ હાજર હતા. જેમણે પોઝીટીવ દર્દીઓને દશમૂળકવાથ, પથયાદી કવાથ ઉકાળો, ખાંસી માટે સિતોપલાદી ચૂર્ણ અને જેમને વધુ તાવ આવતો હતો એવા દર્દીઓને આયુષ-૬૪ની કેપ્‍સુલ આપવામાં આવી હતી. કોરોનાના સામાન્‍ય લક્ષણ જણાતા તમામને ઘરે જ કરોન્‍ટાઇન કરાયા હતા. ડો.ભાવિને કોરોન્‍ટાઇન થયેલા દર્દીઓની  ઘર મુલાકાત કરતા હાલ આ તમામ વ્‍યકિતઓને કોઇ પણ જાતની તકલીફ નથી અને ઓકસિજન લેવલ પણ બરાબર છે. આમ, કોરોના સામે એલોપોથી દવા સાથે આયુર્વેદ દવા ખૂબજ કારગત નીવડી છે. જિલ્લાના આંતરીયાળ વિસ્‍તારોમાં પણ કોરોનાને હરાવવા આરોગ્‍ય વિભાગ અને આયુર્વેદ વિભાગ ખૂબજ મહેનત કરી રહયા છે. તંત્રની કામગીરીમાં લોક સહયોગ સાંપડશે તો  તેના પરિણામ સ્‍વરૂપ આપણે કોરોનાને ચોક્કસ હરાવી શકીશું.

(11:47 pm IST)