ગુજરાત
News of Wednesday, 5th May 2021

અમદાવાદ મનપાએ એક કરોડના ખર્ચે 13 કિલોલિટરની ક્ષમતાનો ઓક્સીઝન પ્લાન્ટ બનાવ્યો

બહેરામપુરામાં ઉભા કરાયેલા ઓક્સિજન પ્લાન્ટથી દૈનિક 1,000થી 1,200 નંગ સિલિન્ડર રિફિલ કરી શકાશે.

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા ઓક્સિજનની માંગ વધી છે પણ જરૂરિયાત સામે પૂરતો જથ્થો મળી રહ્યાંની ફરિયાદો છે પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટૂંકાગાળામાં રૂ.1 કરોડના ખર્ચે 13 કિલો લિટરની ક્ષમતાનો ઓક્સિજન પ્લાન્ટ બનાવી દેવાયો છે. આજે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. બહેરામપુરા ખાતે ઉભા કરાયેલા ઓક્સિજન પ્લાન્ટથી દૈનિક 1,000થી 1,200 નંગ સિલિન્ડર રિફિલ કરી શકાશે.

 અમદાવાદ મ્યુનિ.એ સરકારી તથા ખાનગી હોસ્પિટલની ઓક્સિજનની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે બહેરામપુરાની ચેપી રોગ હોસ્પિટલ પરિસરમાં 13 કિલો લીટરની ક્ષમતાવાળી ટેન્ક લગાવી રીફીલિંગ પ્લાન્ટ શરૂ કરી દેવાયો છે. આ ઓક્સિજન પ્લાન્ટ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા સિવિલ અને ઇજનેરી કામ કરાયું છે જેમાં મુખ્યત્વે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ કામમાં ટેન્કનું ફાઉન્ડેશન, રીફીલિંગ માટે પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. જેની પાછળ એક કરોડનો ખર્ચ થયો છે. એક સાથે 60 સિલિન્ડર રીફીલિંગ કરી શકાશે. દરરોજ 1000થી 1200 સિલિન્ડર રીફીલિંગ કરી શકાશે. આજ કમ્પાઉન્ડમાં INOX કંપનીનો 20 કિલો લિટરની ક્ષમતાનો પ્લાન્ટ ઉભો કરવાની કામગીરી પ્રગતિમાં છે, જેની પાછળ રૂ.1.25 કરોડનો ખર્ચ થશે. આ પ્લાન્ટમાં દૈનિક 1500 સિલિન્ડર રીફીલિંગ કરી શકાશે

(11:36 pm IST)