ગુજરાત
News of Sunday, 5th April 2020

વિદ્યાર્થીઓની કારકિર્દી માટે ડિજિટલ સિમ્પોઝિયમ રહેશે

વિદ્યાર્થીઓ ઓનલાઇન માહિતી પૂરી પડાઇ : પ્રમુખ સંસ્થાઓના ડાયરેક્ટર્સ-મેન્ટર્સે આપેલું માર્ગદર્શન

અમદાવાદ,તા. ૫ : ભારતમાં કોરોના વાઇરસના ઝડપી ફેલાવાને નિયંત્રણમાં લેવા માટે સરકાર દ્વારા દેશવ્યાપી ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે વિશેષ કરીને ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ પૂરતાં માર્ગદર્શનના અભાવને કારણે કયાં ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવી તે અંગે ભારે સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓ મનમાં ઘણાં પ્રશ્નોને કારણે મૂંજવણ અનુભવી રહ્યાં છે અને તેઓ ચિંતિત પણ છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા તથા વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકોને સચોટ માર્ગદર્શન મળી રહે તે ઉદ્દેશ્યથી એન્ડેવર કરિયર્સ દ્વારા આજે ધોરણ ૧૨ પછી કારકિર્દીના નવા આયામો વિષય ઉપર વિનામૂલ્યે ડિજિટલ સિમ્પોઝિયમ ૨૦૨૦નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓનલાઇન સેશનમાં આઇઆઇએમ ઇન્દોર, સિમ્બોઇસિસ પૂના, અમદાવાદ યુનિવર્સિટી અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (જીએનએલયુ) સહિતની પ્રમુખ સંસ્થાઓના ડાયરેક્ટર્સ અને મેન્ટર્સે ઓનલાઇન માધ્યમથી ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા અને શિક્ષકોને સચોટ માહિતી પ્રદાન કરી હતી તથા તેમના પ્રશ્નોના જવાબ પણ આપ્યાં હતાં.

           આ પ્રસંગે આઇઆઇએમ ઇન્દોરના આઇપીએમ-પ્રોગ્રામચેર ડો. રાધા લાડકાનીએ મેનેજમેન્ટમાં ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ અંગે માહિતી આપી હતી. તેમણે વિવિધ વિષયો અંગે જાણકારી આપવા સાથે સોશિયલ ઇન્ટર્નશીપ, બિઝનેસ ઇન્ટર્નશીપ, રૂરલ એંગેજમેન્ટ પ્રોગ્રામ, ફોરેન એક્સચેન્જ પ્રોગ્રામ અને હિમાલયન આઉટબાઉન્ડ પ્રોગ્રામ જેવી અન્ય વિશેષતાઓ અંગે પણ ચર્ચા કરી હતી. અમદાવાદ યુનિવર્સિટીના યુજી પ્રોગ્રામના એસોસિયેટ ડીન ડો. પરાગ પટેલે નવા અભિગમ સાથે કારકિર્દીના નવા આયામો વિશે જાણકારી આપી હતી. તેમણે અમદાવાદ યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ, પ્રોગ્રામ ડિઝાઇન અને નવીન શિક્ષણ દ્વારા વિવિધ શાખાઓને કેવી રીતે એકીકૃત કરી છે તેની વિગતો આપી હતી. ડો. પટેલે ભુતપૂર્વ વિદ્યાર્થીઓએ ફેશન મેનેજમેન્ટ, પ્રોડક્શન હાઉસ વગેરેમાં કેવી રીતે કારકિર્દી બનાવી છે તેના પણ ઉદાહરણ આપ્યાં હતાં.

              ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (જીએનએલયુ)ના ડાયરેક્ટર ડો. એસ શાંતાકુમારે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, એક દાયકા પહેલાં લો પસંદગીની કારકિર્દી ન હતી, પરંતુ હવે સ્થિતિ બદલાઇ છે. વૈશ્વિકીકરણને કારણે કાયદાના વિદ્યાર્થીઓ માટે નવી તકોનું સર્જન થયું છે. કોઇપણ એક સંસ્થામાં પાંચ વર્ષ અભ્યાસ કરવા માટે સમર્પણ જરૂરી છે અને તેથી જ સમજી વિચારીને લો સ્કૂલ પસંદ કરવા તેમણે વિદ્યાર્થીઓને સૂચન કર્યું હતું. સિમ્બાઓસિસ પૂને, એસસીએમએસ-ડાયરેક્ટર ડો. આધ્ય શર્માએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, મિત્રોના કહેવા પ્રમાણે નહીં, પરંતુ પોતાની પસંદગી મૂજબના કોર્સ પસંદ કરવા જોઇએ તથા વિશ્વસનીય માહિતીને આધારે જ નિર્ણય કરવાનું તેમણે સૂચન કર્યું હતું. તેમણે એસસીએમએસ ખાતે ડ્યુઅલ સ્પેશિયલાઇઝેશન, સિંગલસ્પેશિયલાઇઝેશન અથવા જનરલ બીબીએ કોર્સિસ વિશે જાણકારી તથા તેની વિશેષતાઓ જણાવી હતી.

(10:16 pm IST)