ગુજરાત
News of Sunday, 5th April 2020

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો સંવેદનશીલ નિર્ણય : વિવિધ વિભાગોમાં જીવના જોખમ સાથે ફરજ બજાવનાર કર્મચારીઓ માટે રૂ. રપ લાખ ની સહાયની જાહેરાત

રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા જેમ જેમ વધી રહી છે તેમ તેમ આરોગ્ય વિભાગ, પોલીસ કર્મીઓ, મહાપાલિકાઓના કર્મચારીઓની સતર્કતા એટલી જ વધી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

કોરોના વાયરસના કારણે સર્જાયેલી પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના જીવના જોખમએ પોતાની ફરજ બજાવતા વિવિધ સરકારી સેવાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે સંવેદના દર્શાવી મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ મહત્વ પૂર્ણ નિર્ણયો કર્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ જાહેર કર્યું છે કે રાજ્યની નગર પાલિકાઓ મહાનગર પાલિકાઓમાં કાર્યરત સફાઈ કર્મીઓ અને આરોગ્ય સેવા કર્મીઓ જો આ કોરોના વાયરસનો ભોગ બને અને દુર્ભાગ્યવશ તેમનું અવસાન થાય તો તેવા સેવા કર્મીઓના પરીવારને 25 લાખની સહાય રાજ્ય સરકાર કરશે.

વિજયભાઈ રૂપાણીએ એમ પણ જાહેર કર્યું છે કે આ વિપરીત સ્થિતીમાં ફરજરત મહેસૂલ વિભાગના અધિકારીઓ કર્મચારીઓને પણ જો ફરજ દરમિયાન કોરોના વાયરસની બીમારી થાય અને તેનું નિધન થાય તો તેમના પરીવારને પણ સરકારી સહાયનો લાભ મળશે. આ ઉપરાંત લોકડાઉનની સ્થિતીમાં અનાજ સહિતની જીવન જરૂરી ચીજ વસ્તુઓના પુરવઠા અને વિતરણની કામગીરી બજાવતા અન્ન નાગરિક પુરવઠા વિભાગના કર્મીઓ તેમજ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ધારકોને પણ આ સહાય મળવા પાત્ર ગણાશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજ્યના પોલીસ કર્મીઓ માટે સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

(3:32 pm IST)