ગુજરાત
News of Friday, 5th March 2021

મોંઘાદાટ પેટ્રોલની ચોરીનો ભય : રાજપીપળા દરબાર ગાયત્રી મંદિર પાસે પેટ્રોલ ચોર ગેંગ સક્રિય જણાતા સ્થાનિકે પોલીસને જાણ કરી

બાઇકોમાંથી મોંઘું દાટ પેટ્રોલ ચોરી થશે તેવી દહેશતે લોકો રાત્રે યોગ્ય ઊંઘ પણ માણી શકતા ન હોય આ ગેંગને વહેલી તકે ઝડપી પડાઇ તેવી માંગ :અગાઉ પણ બાઈકો લઈ રખડવા માટે કેટલાક લુખ્ખા તત્વો પેટ્રોલ ચોરી કરતા હોવાની બુમ સંભળાઈ હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના કેટલાક વિસ્તારોમાં સાંકડી ગલીઓમાં ઘર આંગણે પાર્ક કરેલી બાઇકો માંથી પેટ્રોલ ચોરી કરતા લુખ્ખા તત્વોનો અગાઉ પણ ત્રાસ હતો ત્યારે હાલ આવા તત્વો ફરી સક્રિય થયા હોવાનું જણાઈ રહ્યું છે.
ગત રાત્રે દરબાર રોડ પાસેના ગાયત્રી મંદિર પાસેની સાંકડી ગલીમાં ત્રણ જેટલા શંકાસ્પદ યુવકો હાથમાં બોટલ લઈ એક મો.સા.માંથી પેટ્રોલ ચોરી કરવાના ઇરાદે રાત્રે લગભગ 11 વાગે આવ્યા હતા અને આ મો.સા.ને હલાવી પેટ્રોલ કેટલું હશે તેવો અંદાજ લગાવતા હતા ત્યારેજ સ્થાનિક એક મહિલા ઘરની બહાર આવતા તેમણે આ યુવાનોને શું કરો છો..?કોણ છો..? જેવા સવાલ પૂછતાજ તે બોટલ લઈ નાસી છૂટ્યા હતા ત્યારબાદ આ બાબતની જાણ ફળિયામાં થતા એક જાગૃત નાગરિકે આ બાબતે તરત રાજપીપળા પો.સ્ટે.માં જાણ કરી પીસીઆર વાન આ તરફ મોકલવા જણાવ્યું હતું. અગાઉ ના વર્ષો ની જેમ પુનઃ પેટ્રોલ ચોરી કરતા તત્વો સક્રિય થયા હોવાનું જણાતા હવે રાજપીપળામાં પોલીસનું રાત્રી પેટ્રોલિંગ કડક બને તે જરૂરી છે.

(11:03 pm IST)