ગુજરાત
News of Friday, 5th March 2021

લ્યો બોલો : અમદાવાદ જિલ્લાની ત્રણ RTOમાં મંજુર કરાયેલા મહેકમની સામે કુલ 46 ટકા જગ્યા ખાલી !

વિવિધ વર્ગોના પદો માટે મહેકમ મુજબ કુલ 334 જગ્યા મંજુર તેમાંથી 154 જેટલી જગ્યા ખાલી

અમદાવાદ જિલ્લામાં આવેલી ત્રણ RTOમાં વિવિધ વર્ગના પદ માટે મંજુર કરાયેલા મહેકમ સામે 46 ટકા જેટલી જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં આવેલી સુભાષબ્રિજ RTOમાં વિવિધ વર્ગના પદો માટે મંજુર કરાયેલા મહેકમ સામે કુલ 100 જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે

ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લામાં આવેલી ત્રણ RTOમાં વિવિધ વર્ગોના પદો માટે મહેકમ મુજબ કુલ 334 જગ્યા મંજુર કરવામાં આવી હતી. જેની સામે 154 જેટલી જગ્યા ખાલી છે. અમદાવાદ જિલ્લામાં ત્રણ RTO આવેલી છે, જે પૈકી – સુભાષબ્રિજ RTO અને વસ્ત્રાલ RTO અમદાવાદ શહેરમાં આવેલી છે, જ્યારે અન્ય એક RTO (ગ્રામ્ય) બાવળા પાસે આવેલી છે.

31મી ડિસેમ્બર 2020ની સ્થિતિ પ્રમાણે અમદાવાદ સુભાસબ્રિજ RTOમાં વિવિધ વર્ગોના પદો માટે મહેકમ મુજબ 229 જગ્યા મંજુર કરવામાં આવી હતી, જેની સામે 129 જગ્યા ભરાવામાં આવી છે, જ્યારે 100 જગ્યા ખાલી છે. વસ્ત્રાલ RTOમાં પણ મહેકમ મુજબ મંજુર કરાયેલી 66 જગ્યા સામે 32 જગ્યા હજી પણ ખાલી છે

બાવળા સ્થિત RTOમાં મહેકમ મુજબ કુલ 39 જગ્યા મંજુર કરવામાં આવી હતી, જેની સામે માત્ર 17 જગ્યા ભરાયેલી છે, જ્યારે બાકીની 22 જગ્યા હજી પણ ખાલી છે. અમદાવાદ જિલ્લામાં આવેલી ત્રણેય RTOમાં તુલનાત્મક રીતે અન્ય વર્ગોની સરખામણીએ સૌથી વધુ વર્ગ -3ના જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કના પદ પર વધુ જગ્યાઓ ખાલી છે.

ગુજરાત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભરતીએ નિરંતર પ્રક્રિયા છે અને ખાલી પડેલી જગ્યાઓ પણ ભરવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં આવેલી RTOમાં મહેકમ મુજબ વિવિધ વર્ગોના પદો માટે કુલ 52 જગ્યા મંજુર કરાઈ હતી જોકે તેની સામે 21 જગ્યા ખાલી છે

અમદાવાદ જિલ્લામાં આવેલી 3 RTO દ્વારા સંયુક્ત રીતે 31મી જાન્યુઆરી 2021 પ્રમાણે પાછલા બે વર્ષમાં કુલ 733 વાહનો ડિટેઇન કર્યા અને તેની સામે સંયુક્ત રીતે કુલ 1.10 કરોડ રૂપિયાનો દંડ વસુલ્યો છે. આ ત્રણેય RTO પૈકી સૌથી વધુ 58.28 લાખ રૂપિયાનો દંડ અમદાવાદ સુભાષબ્રિજ RTO કચેરી દ્વારા વસુલવામાં આવ્યો હતો

(10:10 pm IST)