ગુજરાત
News of Friday, 5th March 2021

ખરીદી માટે નીકળેલા યુવકને પોલીસે માર માર્યાનો આક્ષેપ

સુરત પોલીસ વિવાદમાં આવી : પોલીસ યુવકને ઊંચકીને પોલીસ મથકે લઈ ગઈ, યુવકને રાત્રે લોકઅપમાં રાખ્યોે, બીજા દિવસે કોર્ટમાં રજૂ કરાયો

સુરત,તા.૫ : સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પોલીસ પર ગંભીર આક્ષેપ થયો છે. પોલીસ પર આક્ષેપ છે કે યુવક બજારમાં ખરીદી કરવા ગયો હતો ત્યારે તેની બાઈક ઊંચકી લીધી હતી. આ બાબતે પોલીસને પૂછતા પોલીસે તેને ત્યાં જ માર માર્યો હતો. જે બાદમાં પોલીસ યુવકને ઊંચકીને પોલીસ મથકે લઈ ગઈ હતી. યુવકને રાતભર લોકઅપમાં રાખ્યો હતો. બીજા દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ યુવકને છોડવામાં આવ્યો હતો. પોલીસે યુવકને આખો દિવસ જમવાનું પણ ન આપ્યાનો આક્ષેપ કર્યો છે. જે બાદમાં યુવકને ચક્કર આવતા તેને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ પર ગંભીર આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. આ કેસની વિગત જોઈએ તો ડીંડોલી સ્થિત મિલેનિયમ પાર્ક નજીક ભરાતા બજારમાં મંગળવારે ખરીદી કરવા આવેલા ગોડાદરાના યુવકની બાઈક ઊંચકવા મુદ્દે ઊભા થયેલા વિવાદમાં પોલીસે યુવાનને ઢોર માર માર્યો હતો. ડીંડોલી પોલીસ યુવાનને માર મારતાં પોલીસ મથકે લઈ ગઈ હતી. પોલીસની આ દબંગાઇને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

      મારને પગલે યુવકના શરીરે ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી છે. પોલીસના મારને પગલે રાજેશ વિક્રમ બોરડે (ઉં.વ. ૨૭)ને બુધવારે સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો. રાજેશના પરિવારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેને ડીંડોલી પોલીસ મથકમાં ફરજ બજાવતા આઝાદ સૂર્યભાણ સિંગ નામના પોલીસકર્મીએ ઢોરમાર માર્યો છે. રાજેશના માથા, બંને પગે અને પીઠના ભાગે ગંભીર ઇજાઓ જોઈએ તબીબોએ તેને ઇન્ડોર પેશન્ટ તરીકે હૉસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરી હતી. સિવિલના દાખલ રાજેશના પરિવાજનોએ કહ્યું હતું કે, તે મિલેનિયમ પાર્ક પાસે ભરાતા બજારમાં ખરીદી કરવા ગયો હતો. બજાર પહોંચી રાજેશે રસની લારી નજીક બાઈક મૂકી હતી. દરમિયાન, પોલીસે બાઈક ઊંચકતા રાજેશ પોલીસ પાસે પહોંચ્યો હતો. પોતે નજીકમાં જ ઉભો હોવાનું કહી દરમિયાનગીરી કરી હતી. આ સાંભળી ઉશ્કેરાયેલા પોલીસે તેને ફટકારવાનું શરૂ કર્યું હતું. પોલીસકર્મી રીતસરનો રાજેશ ઉપર પણ તૂટી પડ્યો હતો. બજારમાંથી માર મારતા રીક્ષામાં બેસાડી પોલીસ મથકે લઈ જવાયો હતો. આખી રાત તેને લોકઅપમાં રાખી મૂકી અટકાયતી પગલા લઈ બીજા દિવસે કોર્ટમાંથી છોડાવ્યો હતો. આ મામલે પીઆઈ એમ. એલ. સાળુંકેએ જણાવ્યું હતું કે, રાજેશ દ્વારા સિવિલમાં દાખલ થઈ ખોટી ફરિયાદ કરાઈ છે. કોરોનાને લઈ અહીં ભરાતું બજાર બંધ કરાવાયું હતું.

(8:36 pm IST)