ગુજરાત
News of Friday, 5th March 2021

રાજાશાહી વખતના ચિમન બાઇ અને વરસંગ તળાવને પાણીથી ભરી દેવાશે તો ખેડૂતો રૂપાણીને ભગવાનનો દરજ્જો આપી શકે

તાલુકાની પ્રજાની દાયકાઓ જૂની માંગણી સંતોષાશે તો દોઢ લાખ લોકોને થશે ફાયદો

 

અમદાવાદ : રાજા-રજવાડાઓએ પોતાના પ્રજાની સુખ-સમુદ્ધી માટે સીમિત સાધનો હોવા છતાં તળાવો ખોદાવતા હતા. રાજાઓ દૂરંદેશી હતા, તેઓ જાણતા હતા કે પાણી જ જીવન છે. પૂરતા પ્રમાણમાં પાણી હશે તો રાજ્યના લોકો મજૂરી થકી અનાજનું ઉત્પાદન કરીને પોતાનું જીવન સુધારી શકશે. જેથી તેઓ લોકો સુધી પાણી પહોંચાડવા માટે જરૂરી બધા જ પગલાઓ ભરતા હતા.

 જોકે, વર્તમાન સમયમાં શું સ્થિતિ છે? આમ જોવા જઈએ તો વર્તમાનમાં પણ સરકારો સિંચાઈ માટે નહેરો અને પાણીને એકત્ર કરવા માટે સરોવરોની ઉંચાઈઓ વધારી રહી છે. મોટા પ્રમાણમાં દેવી નર્મદાનું પાણી એકત્ર કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેના પાણીને તરસી પ્રજા સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે?. કદાચ આનો જવાબ આપણે ‘હાં’માં આપી શકીએ, પરંતુ હજું પણ એવા અનેક વિસ્તાર છે, જ્યાના ખેડૂતો પાણીની રાહ ચાતકની જેમ જોઈ રહ્યાં છે.

ઉત્તર ગુજરાતમાં આવેલા બે તળાવો વર્ષોથી પાણીની રાહ જોઈને બેસ્યા છે. જે તળાવો એક સમયે લોકોની સમૃદ્ધિનું કારણ બન્યા હતા, પરંતુ હાલમાં તેઓ પોતે ઉજ્જડ બની ગયા છે. ખેરાલુ તાલુકામાં ચિમના બાઇ અને સતલાસણા તાલુકામાં વરસંગ તળાવો પ્રજા સુધી પાણી પહોંચાડવા માટે બંધાવવામાં આવ્યા હતા. આ તળાવોમાંથી ચિમના બાઇ તળાવ સયાજીરાવ ગાયકવાડે બંધાવ્યું હતું.

 ચિમન બાઇ અને વરસંગ તળાવને ભરવા માટે વર્ષોથી બંને તાલુકાની પ્રજા માંગણી કરી રહી છે. આ બંને તળાવ એવા છે, જેમાં નર્મદાનું અને ધરોઈ ડેમનું પાણી લાવી શકાય છે અને તેમને સંપૂર્ણ ભરી શકાય છે. આમ આ એક એવી સમસ્યા છે, જેનો ઉકેલ લાવી શકાય છે. જોકે, વર્ષોથી આ સમસ્યા વણઉકેલી પડી છે. જેની સજા ખેડૂતો પાણી વગર ભોગવી રહ્યાં છે.

આ બંને તળાવને ભરવામાં આવે તો લગભગ 60થી વધારે ગામડાઓના લોકોને તેનો ફાયદો થાય. આશરે 32 એકરમાં ફેલાયેલ વરસંગ તળાવને ભરવામાં આવે તો 38 જેટલા ગામોના બોરકૂવા રિચાર્જ થવાથી મહદઅંશે સિંચાઇની સમસ્યા હલ થઈ શકે છે.

ખેરાલુ તાલુકાના અનેક ગામડાઓના તળમાં પાણીની ભારે અછત હોવાના કારણે બોરકૂવાઓમાંથી પાણી ચાલ્યા ગયા છે અથવા ઓછા થઈ ગયા છે. તેવામાં જો ચિમન બાઇ તળાવમાં પાણી ભરવામાં આવે છે તો ખેરાલુ તાલુકાના ઓછામાં ઓછા દસથી પંદર ગામોના બોરકૂવા રિચાર્જ થઈ શકશે અને ત્યાની જમીનમાં પાણીનું તળ ઉંચુ લાવી શકાય છે.

આપણે ઉપર જણાવ્યું તેમ, રાજા પોતાની રૈયતના હિત માટે બનતું બધુ જ કરી છૂટતા હતા. પરંતુ વર્તમાનમાં રાજકારણીઓ પાર્ટીઓની અંદરોદર દુશ્મની પ્રજા સુધી પહોંચાડી દેતા હોય છે. તેનું જ પરિણામ આજે ખેરાલુ અને સતલાસણાના ખેડૂતો ભોગવી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.

જોકે, આ કેસમાં તો એવું પણ નથી, કારણ કે ખેરાલુ તાલુકાની ભાજપની સીટ ઉપરથી ચૂંટણી લડનાર અજમલજી ઠાકોરને અહીંના લોકોએ ભારે વોટોથી (29026 મત) જીત અપાવી હતી. ભારતીય જનતા પાર્ટીને ખેરાલુ તાલુકાના ગામડાઓના લોકોએ દિલ ખોલીને વોટ આપ્યા હતા, તે છતાં પણ અહીંના લોકો પાણી માટે વર્ષોથી વલખા મારી રહ્યાં છે. તે છતાં પણ તેમના પ્રતિનિધિને તેમના લોકોની આટલી મોટી સમસ્યા દેખાઇ રહી નથી.

ચિમન બાઇ સરોવર અને વરસંગ તળાવને ભરી નાંખવામાં આવે તો ઓછામાં ઓછા 1.50 લાખથી વધારે લોકોને તેનો ફાયદો મળી શકે છે. આ ફાયદાની સીધી અસર આખા ગુજરાત ઉપર પડી શકે છે. આ વિસ્તારોમાં પાણીના જળબંબાકાર થશે તો ખેડૂતો પોતાની મજૂરી-મહેનત થકી જ પોતાના જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધી લાવી શકશે. અહીંના ખેડૂતોનું જીવન ધોરણ ઉપર આવશે તેનો ફાયદો આખા ગુજરાતને થશે તે સ્વભાવિક છે.

હાલમાં પૂરી થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ખેરાલુના ડાવોલ, ડાલીસણા વરેઠા સહિત કેટલાક ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તેવામાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ ખેરાલુ અને સતલાસણાના ગામડાઓમાં ચૂંટણી બહિષ્કારની ચર્ચાઓ ચાલી રહી છે. જે બીજેપી માટે ઘાતક સાબિત થઇ શકે છે.

જોકે, ચૂંટણી પૂર્વે જ ખેરાલુ તેમજ સતલાસણા તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને રિઝવવા છેવટે સતલાસણાના વરસંગ તળાવ તેમજ ખેરાળુના ચિમનાબાઈ સરોવરમાં નર્મદા આધારિત પાણી છોડવામાં આવ્યું હતું. જોકે, નર્મદાનું પાણી છોડવાનો નિર્ણય હંગામી તેમજ ચૂંટણીલક્ષી હોવાનું કેટલાક સ્થાનિક લોકો જણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોએ સરકારના આ નિર્ણયને વધાવી પાણીના વધામણાં કર્યા હતા.

આ પહેલા પણ ચૂંટણી ટાણે ચિમના બાઇ અને વરસંગ બંને તળાવોમાં અનેક વખત પાણી છોડવામાં આવ્યું છે. જોકે, તે ચૂંટણીલક્ષી નિર્ણય હોય છે, તેનો હેતુ માત્રને માત્ર રાજકીય ફાયદો ઉઠાવવાનો જ હોય છે. તેવામાં જો ગુજરાતની રૂપાણી સરકાર જો બંને તળાવોને સંપૂર્ણ ભરવાનું કામ કરે છે તો પાણી વગર કંટાળેલા આ વિસ્તારના ખેડૂતો વિજયભાઈ  રૂપાણીને ભગવાનનો દરજ્જો આપી દેશે.

(8:15 pm IST)