ગુજરાત
News of Friday, 5th March 2021

અરવલ્લી જીલ્લાના મોડાસામાં પોતાના પેટનો ખાડો ભરવા 10 વર્ષના પુત્રને 7 હજારમાં ખંભીસર નજીક ઝુપડામાં રહેતા પરિવારને વેચી દીધો

મોડાસા: કોરોના મહામારીમાં હજારો લોકોના રોજગાર ધંધા બંધ થઇ ગયા છે અને ખાવાના પણ ફાંફા પડી ગયા છે. પોતાનું પેટ ભરવા માટે લોકો કઇ હદે જઇ શકે તેવી એક ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસામાં સામે આવી છે. મોડાસાના ખંભીસરમાં શ્રમિક માતા-પિતાએ પોતાના 10 વર્ષના પુત્રને માત્ર 7 હજાર રૂપિયામાં વેચી દીધો હતો.

ખંભીસરમાં બાળક આમ તેમ ફરતુ હતું, આ દરમિયાન એક જાગૃત યુવકના ધ્યાને આવતા બાળકની પૂછપરછ કરતા તેના માતા-પિતાએ તેને 7 હજારમાં નજીકમાં રહેતા પરિવારને વેચી દીધુ હોવાનું જણાવ્યુ હતું. બાળકની વાત સાંભળીને યુવક ચોકી ઉઠ્યો હતો અને અગમ ફાઉન્ડેશનના હેતલ પંડયાને જાણ કરી હતી. તે બાદ અગમ ફાઉન્ડેશનના હેતલ પંડ્યાએ બાળકનું રેસક્યુ કરી કર્યુ હતું અને બાળકને નવા કપડા પહેરાવી જીલ્લા બાળ સુરક્ષા વિભાગને સુપરત કર્યો હતો.

અગમ ફાઉન્ડેશનના હેતલ પંડ્યા અને બાળ સુરક્ષા અધિકારીએ બાળકની પૂછપરછ કરતા તે માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યુ હતું અને તેના માતા-પિતાએ 7 હજાર રૂપિયામાં ખંભીસર નજીક ઝુંપડામાં રહેતા પરિવારને વેચી દીધુ હોવાનું જણાવ્યુ હતું. બાળકને ખરીદનાર શ્રમિક પરિવાર તેની પાસે મજૂરી કરાવતો હોવાનું જાણવા મળ્યુ હતું. બાળકની ખરીદી કરનાર ગરીબ પરિવારને ગુન્હો બનતો હોવાનું જણાવતા તે ડરી ગયા હતા અને આજીજી કરવા લાગ્યા હતા.

બીજી તરફ અગમ ફાઉન્ડેશન અને બાળ સુરક્ષા વિભાગે બાળકને વેચનાર માતા-પિતાનો સંપર્ક કરી તેમને મળવા બોલાવ્યા હતા. બાળકને સારૂ વાતાવરણ મળી રહે અને તે અભ્યાસ કરતુ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

(5:37 pm IST)