ગુજરાત
News of Friday, 5th March 2021

અમદાવાદના ચકચારી આયશા આપઘાત પ્રકરણમાં પતિ આરીફનો મોબાઇલ જપ્‍તઃ કડક સજા કરવા પુત્રીના પિતાની કોર્ટ સમક્ષ માંગણી

અમદાવાદઃ સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર આયશા આત્મહત્યા કેસમાં આરોપી પતિ આરીફ ત્રણ દિવસના રિમાન્ડ પર છે. પોલીસ આ કેસને લઈને તપાસ કરી રહી છે. પોલીસને હવે આરોપી આરીફનો મોબાઇલ ફોન મળી આવ્યો છે. આ ફોનમાંથી પોલીસને ડેટા પણ મળી આવ્યો છે. આ કેસમાં વધુ ખુલાસા થઈ શકે છે. આ કેસમાં સામે આવ્યું છે કે આરીફ અને તેનો પરિવાર આર્થિક રીતે સદ્ધર હોવા છતાં પણ આયશાના પરિવાર પાસે સતત પૈસાની માંગણી કરી રહ્યો હતો.

આરીફનો ફોન મળી આવ્યો

આયશાને આપઘાત કરવા મજબૂર કરનાર આરોપી પતિ આરીફ વિરુદ્ધ ફરિયાદ થયા બાદ ભાંગી ગયો હતો. રિવરફ્રન્ટ પોલીસના ગિરફતમાં આવ્યા બાદ મોબાઈલ ફોન વિશે યોગ્ય જવાબ આપતો ન હતો પરંતુ પોલીસ રિમાન્ડ દરમિયાન કડક હાથે પૂછપરછમાં આરોપી આરીફ મોબાઈલ ફોન તેના બનેવીના ઘરેથી મળી આવ્યો છે. મોબાઈલ ફોનમાં તમામ ડેટા મળી આવ્યા છે. જેમાં સોશિયલ મીડિયામાં કોની સાથે સંપર્કમાં હતો. સાથે જ આયશા જોડે જાન્યુઆરી મહિનામાં 30 સેકન્ડ વાત કરી હતી બાદમાં 25મી ફ્રેબ્રુઆરી આઇશાએ આપઘાત કરતા પહેલા બન્ને વચ્ચે 72 મિનિટ જેટલી વાત થઈ છે. જો કે આયશા આરોપી આરીફ અનેક વખત ફોન કરતી હતી પણ આરોપી આરીફ ફોન ઉપાડતો ન હતો.

 ક્રૂર પતિ આરીફ પોલીસ રિમાન્ડ દરમિયાન તપાસમાં અનેક હક્કીતો સામે આવી છે. આરોપી આરીફ લગ્ન થોડા સમય પછી ઘરની નાની-નાની વાતોમાં આયશા સાથે મારઝૂડ કરતો હતો. એટલું જ નહીં પતિ આરીફે આયશાને  ચાર થી પાંચ જેટલા લાફા મારતા આંખમાંથી લોહી નીકળ્યું હોવાની કબૂલાત પણ પોલીસ સમક્ષ કરી ચુક્યો છે. આરોપી આરીફના નિવેદનમાં દહેજ માગણી કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપી આરીફના પરિવાર પૈસા ટેકે સદ્ધર હોવા છતાં દહેજ ભૂખ્યા સાસરિયા વાળા પૈસાની માગણી કરતા હતા. રિવરફ્રન્ટ પોલીસે આરોપી આરીફના મોબાઈલ ફોન એફ.એસ.એલમાં મોકલવામાં આવશે. સાથે જ આ કેસમાં પોલીસ સાયન્ટિફિક પુરાવા મેળવી તપાસ કરવામાં આવી રહી છે. પણ આરોપી મોબાઈલ ફોનમાંથી અનેક ચોકવનારી હકકિત  શુ સામે આવે છે તે જોવું રહ્યું .

બેશરમ આરીફને સજા અપાવો

અમદાવાદના વટવાની આયશાના આપઘાતને લઈ પોલીસે કડકાઈ હાથ ધરી અને તેના હત્યારા તથા બેશરમ પતિ આરિફની ધરપકડ પણ કરી. પોલીસે આરિફને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લીધો છે. આશા છે કે આરિફની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થઈ શકે છે સાથે જ આયશાના પિતા તેમની દીકરીના હત્યારાને કડક સજા મળે તેવી માગ પણ કરી રહ્યાં છે. આરીફની રાજસ્થાનના પાલીથી ધરપકડ કર્યા બાદ બુધવારે આરીફને મેટ્રો પોલીટન કોર્ટમાં રજૂ કર્યો હતો. જે દરમિયાન આયશાના પિતા લિયાકત અલી કોર્ટમાં હાજર રહ્યાં હતા. કોર્ટમાં બંને પક્ષની દલીલોના અંતે પોલીસે આરોપીની પૂછપરછ માટે પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા પણ કોર્ટે 6 માર્ચ 3 વાગ્યા સુધી એટલે કે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

(5:35 pm IST)