ગુજરાત
News of Friday, 5th March 2021

અમદાવાદમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્‍સોઃ રિક્ષાચાલકે પેસેન્‍જરની લાલચમાં બાળકોને ફાટક ક્રોસ કરીને આવવાનું કહ્યુ ને ટ્રેને અડફેટે લેતા એકનું મોતઃ એક ગંભીર

અમદાવાદ: 26 જાન્યુઆરીએ અમદાવાદના મણિનગર નજીક રેલવે લાઈન પર થયેલો અકસ્માત માતાપિતા માટે લાલબત્તી સમાન છે સાથે જ રૂપિયા ભૂખ્યા ટ્યુશન સંચાલક અને રિક્ષાચાલકોની પોલ પણ ખોલી રહ્યો છે. એક માસૂમનું રિક્ષાચાલકની લાલચમાં મોત થતાં અંતે પોલીસે બાપ-બેટાને દબોચી લીધા છે.

માસૂમ વિદ્યાર્થીઓનો જીવ લઈ લેનારા રૂપિયાના ભૂખ્યા બાપદીકરાને અંતે પોલીસે દબોચી લીધો છે. અમદાવાદની ખોખરા પોલીસ સકંજામાં ઉભા રહેલા અક્ષય રાજપૂત અને મનોજ રાજપૂત છે. આ બન્ને આરોપીએ ગંભીર બેદરકારી દાખવતા એક બાળકે જીવ ગુમાવ્યો છે તો અન્ય બાળક ગંભીર રીતે ઘવાતા હજુ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. પોતાના વ્હાલસોયાને ગુમાવનારા એક પિતા અને બહેન આ લાલચુઓને ફાંસીની સજા મળે તેવી જ માગ કરી રહ્યા છે.

રિક્ષાચાલકે નિયમ કરતાં વધુ પેસેન્જર બેસાડ્યા હતાં

પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ કરી ત્યારે સંયમની પૂછપરછમાં સમગ્ર હકીકત સામે આવી હતી. 26 જાન્યુઆરીએ દક્ષિણી રેલવે લાઈન પાસે અકસ્માત સર્જાયો હતો. ત્યારે ધોરણ 10માં અભ્યાસ કરતા સંયમ અને તનિષ્ક જે રિક્ષામાં આવી રહ્યા હતા તેના ચાલકે નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડ્યા હોવાથી બંનેને નીચે ઉતારી દીધા અને રેલવે ફાટક ક્રોસ કરીને આવવાનું કહ્યું. જેવા બંને નીચે ઉતરી ક્રોસ કરી રહ્યા હતા ત્યાં જ ટ્રેન આવી ગઈ અને અડફેટે લઈ લીધા હતા. આ અકસ્માતમાં તનિષ્કનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે સંયમ ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

જ્યાં સંયમ હજું પણ હોસ્પિટલના બિછાને પડ્યો છે અને તેને સાજા થવામાં 6 મહિના જેવું લાગી શકે છે. વાત સામાન્ય અકસ્માતની નહીં પણ રિક્ષાચાલકની બેદરકારીની છે રિક્ષાચાલક મનોજ રાજપૂતે રિક્ષામાં વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા પણ પોલીસ દંડ ન કરે તે માટે સંયમ અને તનિષ્કને નીચે ઉતારી રેલવે ક્રોસ કરવા કહ્યું હતું. અને આ જ કારણે બંને બાળકો ટ્રેનની અડફેટે આવી ગયા હતાં.

ટ્યુશનમાં આવનારને રિક્ષા ભાડે કરવા દબાણ

તનિષ્કના પિતાએ એ પણ આરોપ કર્યો છે કે આ ઘટના પછી ટ્યુશન સંચાલકે ફોન કરી જાણ કરી અને બાદમાં પોતે હોસ્પિટલમાં એડમીટ થઈ ગયો. સંયમને હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યારે તનિષ્ક ત્યાં જ રેલવે ટ્રેક પર પડ્યો હતો. સાથે જ એ પણ ફરિયાદ કરી છે કે અક્ષય ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને જે વિદ્યાર્થી આવે તેને પોતાના પિતાની જ રિક્ષામાં આવવા જવા ફરજ પડાય છે. અક્ષય રાજપૂત ટ્યુશન ક્લાસ ચલાવે છે અને તેના પિતા મનોજ રાજપૂત રિક્ષા ચલાવે છે તેથી અક્ષયે પોતાના ટ્યુશનમાં જોડાતા વાલીઓને દબાણ કર્યું કે તમારા બાળકોને રિક્ષામાં જ મોકલવા પડશે. અને આ જ દબાણને વશ થઈ સંયમ અને તનિષ્ક રિક્ષામાં આવતા હતા. મનોજ રાજપૂત દર મહિને ભાડા પેટે 800 રૂપિયા પણ વસૂલતો હતો.

રેલવે તંત્રને દિવાલ બનાવવા અપીલ

હાલ તો પોલીસે આ બંનેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે જ તનિષ્કના પિતા સંજય સુરાણાએ રેલવે તંત્રને પણ ક્રોસિંગ પાસે મોટી દિવાલ કરાવી આવી દુર્ઘટનાઓ ટાળવામાં સહકાર આપવા અપીલ કરી છે. આમ ટ્યુશન ક્લાસીસ સંચાલકની મનમાનીએ ઘરના એકના એક ચિરાગને ઓલવી દીધો છે. વાલીઓ માટે પણ આ એક ચેતવણી છે કે સ્કૂલ હોય કે પછી ટ્યુશન જો તમને યોગ્ય ના લાગે તો તાબે થવાની કોઈ જ જરૂર નથી.

(5:32 pm IST)