ગુજરાત
News of Friday, 5th March 2021

વડોદરા બાદ આણંદમાં આર્થિક સંકડામણથી કંટાળીને સામુહિક આપઘાતઃ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સનો વ્‍યવસાય ધરાવતા પરિવારમાં અરેરાટી

આણંદ: છેલ્લો એક અઠવાડિયો ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓનો રહ્યો છે. આયશા અને વડોદરાના સામૂહિક આત્મહત્યાનો કિસ્સો હજી તાજો જ છે. ત્યાં આણંદમાં સામૂહિક આત્મહત્યાનો બનાવ બન્યો છે. જોકે વડોદરાના સોની પરિવારની જેમ જ આણંદની મહિલાએ આર્થિક સંકડામણથી કંટાળીને આત્મહત્યા કરી છે તેવી પ્રાથમિક માહિતી મળી છે. આ આત્મહત્યા કેસમાં મહિલા અને પુત્રનુ મોત નિપજ્યું છે. તો 15 વર્ષીય પુત્રી હાલ સારવાર હેઠળ છે.

આર્થિક તંગીથી કંટાળેલા પરિવારે આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદમાં સામૂહિક આત્મહત્યાનો બનાવ બન્યો. આણંદની જીવનદીપ સોસાયટીમાં શાહ પરિવારના ત્રણ સદસ્યોએ આત્મહત્યા કરી છે. મહિલાએ પોતાના પુત્ર અને પુત્રી સાથે આત્મહત્યા કરી છે. જોકે, માતાએ બંને સંતાનો સાથે કેમ આત્મહત્યા કરી તે તપાસનો વિષય છે. જીવનદીપ સોસાયટીના 51 નંબરના મકાનમાં રહેતી 38 વર્ષીય મહિલા ટીનાબેન પ્રકાશભાઈ શાહે પોતાના બંને બાળકો સાથે મોતનું પગલુ ભર્યું હતું. વિદ્યાનગરમાં આવેલ મીત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવતા પરિવારે આર્થિક તંગીના કારણે આ પગલુ ભર્યું છે. જેમાં તેમનો પુત્ર મિત પ્રકાશ શાહ (ઉંમર 12 વર્ષ) નું મોત થયું છે. તો સૃષ્ટિ પ્રકાશ શાહ (ઉંમર 15 વર્ષ) બચી ગઈ છે.

15 વર્ષની દીકરીને સમયસર સારવાર મળતા બચી ગઈ

પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણથી આત્મહત્યા કરાઈ હોય તેવુ લાગે છે. હાલ આણંદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે. સામૂહિક આત્મહત્યાના બનાવમાં માતા અને પુત્રનું મોત નિપજ્યું છે. તો 15 વર્ષીય પુત્રીને સમયસર સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો છે, હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

(5:30 pm IST)