ગુજરાત
News of Friday, 5th March 2021

ગણપત યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી દ્વારા વિજ્ઞાનદિન ઉજવાયો

(કેતન ખત્રી) અમદાવાદ, તા., ૫: ગણપત યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીની કોલેજ મહેસાણા અર્બન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ દ્વારા સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિજ્ઞાન ગુર્જરી સંસ્થા પણ સહયોગી બની હતી.

દેશના મહાન વૈજ્ઞાનીક સી.વી.રામનના સન્માનમાં ઉજવવામાં આવતા આ દિવસની ઉજવણીને ગણપત યુનિ.ની સાયન્સ કોલેજે બે દિવસમાં વહેચી હતી. જેની એક દિવસ ઓફલાઇન અને બીજે દિવસે ઓનલાઇન ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીને યુનિ. એ જીએનયુ સાયટેક ફેસ્ટ ર૦ર૧ એવું નામ આપ્યું હતું જેમાં રાજયના ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.

મહેમાન વ્યાખ્યાતા તરીકે રાષ્ટ્રની સુખ્યાત વિજ્ઞાન-સંશોધન સંસ્થા પીઆરએલ  ફિઝીકલ રીસર્ચ લેબોરેટરી, અમદાવાદના પ્રતિષ્ઠીત અને વિજ્ઞાન વૈજ્ઞાનીક ડો. એ.કે.સિંઘવીએ  ખાસ ઓનલાઇન ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો સહીત અનેક અભ્યાસુ-સંશોધકોને પોતાના જ્ઞાન દ્વારા પ્રભાવીત કર્યા હતા.

સ્પર્ધાત્મક વિશ્વમાં કૌશલ્યની શકિત તેની મર્યાદાઓ અને સુલભ તકો એ વિષય ઉપર બોલતા ડો.એ.કે.સિંઘવીએ કહયું કે દેશના વિકાસમાં સ્વદેશી વિજ્ઞાન, નીતી અને મુલ્યોનું મહત્વનું પ્રદાન હોય છે. એમણે એમ પણ જણાવ્યું કે વિજ્ઞાન કોઇ દેશને ઓળખતુ નથી. જ્ઞાનને તો માનવતા સાથે માનવ કલ્યાણ સાથે સંબંધ છે. જ્ઞાન એ એક એવો પ્રકાશ છે જે આખા વિશ્વને પ્રકાશીત ને ઝળહળતુ કરે છે. એમણે જગતના મહાન વૈજ્ઞાનીક આલ્બર્ટ આઇન્સ્ટાઇનને પણ આ સંદર્ભે યાદ કરી અને પોતાની વાતના સમર્થનમાં ટાંકયા હતાં.

વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ વિજેતા બનેલા વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને સ્મૃતિ ચિહનો એનાયત કરી સન્માનવામાં આવ્યા હતા.

આ વિજ્ઞાન ડે ઉજવણીમાં ગણપત યુનિ.ની ફાર્મસી ફેકલ્ટી એકઝીકયુટી ડીન ડો.એસ.એસ.પંચોલી, યુનિ.ના રિચર્સ ડાયરેકટર ડો.અજય ગુપ્તા, સાયન્સ કોલેજના આચાર્ય અને સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો.ડો. અમીત પરીખ, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનકયુબેશન ડીપા.ના ડીન પ્રો.ડો.શ્રીસૌરભ દવે, સહયોગી સંસ્થા વિજ્ઞાન ગુર્જરીના સચીવ ડો.પ્રશાંત કુંજડીયા, જીએનયુ સાયટેક ટ્રસ્ટના સંયોજક પ્રો.ડો. દિગીશ પટેલ સહીત વિવિધ વિભાગોના વડાઓ, પ્રાધ્યાપકો સહીત અનેક મહાનુભાવો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ કાર્યક્રમનું સંચાલન પ્રો.માધુરી સુથાર, પ્રો.નીકીતા ચાવડા અને પ્રો.ઉમા જોશીએ સુપેરે નિભાવ્યું હતું.

(2:44 pm IST)