ગુજરાત
News of Friday, 5th March 2021

વડોદરા બાદ આણંદમાં સામૂહિક આપઘાત: માતાએ બે સંતાનો સાથે ઝેરી દવા પીધી :: માતા-પુત્રનું મોત : પુત્રીની હાલત ગંભીર

ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા પરિવારને આર્થિક સંકડામણ: છેલ્લા 10 મહિનાથી ધંધો બરાબર ચાલતો ન હતો.

રાજ્યમાં એક બાદ એક આપઘાતના ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે. અમદાવાદની આયેશાનો કિસ્સો હોય કે પછી વડોદરામાં સોની પરિવારનાં સભ્યોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ. હવે આણંદમાંથી સામૂહિક ઘટનાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આણંદમાં માતાએ પોતાના બે સંતાનો સાથે ઝેરી ગોળીઓ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક પુત્રનું મોત થયું છે જ્યારે બીજી પુત્રી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

આણંદની જીવનદીપ સોસાયટીમાં રહેતાં પ્રકાશભાઈ શાહ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે. તેમના પરિવારમાં 38 વર્ષીય પત્ની ટીના શાહ અને બે સંતાનો જેમાં મોટી દીકરી 15 વર્ષીય તૃષ્ટિ અને 12 વર્ષીય મીત હતો. હાલની કોરોનાની પરિસ્થિતિને કારણે છેલ્લા 10 મહિનાથી પ્રકાશભાઈનો ધંધો બરાબર ચાલતો ન હતો. અને ઘરમાં આર્થિક સંકડામણ હતી. પણ તેઓનો પરિવાર આ અંગે કોઈને કહી શકતો ન હતો.

પ્રાથમિક દ્રષ્ટિએ આર્થિક સંકડામણને કારણે ટીનાબહેને પોતાના પુત્ર અને પુત્રી સાથે ગત બપોરે ઝેરી દવાઓ ખાઈ લીધી હતી. જે બાદ તાત્કાલિક તમામને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ગત રાત્રિએ જ ટીનાબહેન અને 12 વર્ષીય પુત્ર મીતનું મોત નિપજ્યું હતું. જ્યારે 16 વર્ષીય તૃષ્ટિ જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. અને ડોક્ટર તેને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. હાલ તો પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

(1:44 pm IST)