ગુજરાત
News of Friday, 5th March 2021

આણંદ જિલ્લા પંચાયતની સિહોલ બેઠકનું પરિણામ જાહેર: કોંગ્રેસ ઉમેદવારની જીત

EVMમાં ટેક્નિકલ ખામી સર્જાતા ચૂંટણી પંચ દ્વારા અહીં પુન: મતદાન યોજાયું હતુ.

આણંદ જિલ્લા પંચાયતની સિહોલ બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. સિહોલ 35 બેઠકના બોરિયા-1 બૂથમાં કોંગ્રેસના ઉમેદવારની 491 મતે જીત થઇ છે

 અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારે મત ગણતરી સમયે અહીં EVMમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે ચૂંટણી પંચ દ્વારા અહીં પુન: મતદાન યોજાયું હતુ. આ બૂથ પર 902 મતદાતાઓ છે, જેમણે 4 માર્ચે ફરીથી વોટિંગ કર્યું હતું. જેનું 5 માર્ચે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

ગુરૂવારે યોજાયેલા મતદાનમાં વોટિંગ માટે લાંબી લાઈનો લાગી હતી. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં બોરિયા ગામમાં પહોંચી ગયા હતા. આ મતદાન માટે પોલીસ તરફથી પણ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

આણંદ જિલ્લા પંચાયતની 35-સિહોલ બેઠક પર મતગણતરી સમયે ટેક્નીકલ ખામીના પગલે EVM ખુલ્યુ જ નહતું. જેના કારણે અહીં મત ગણતરી થઈ શકી નહતી. ચૂંટણી પંચ તરફથી તપાસ બાદ EVMમાં ટેક્નિકલ ખામીની જાણ થતા પુન: મતદાન કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ચૂંટણી પંચના આદેશ મુજબ, ગુરુવારે યોજાયેલા પુન: મતદાનમાં સાંજ સુધીમાં 79 ટકા વોટિંગ થયુ હતું. જેનુ આજે પરિણામ જાહેર થતાં કોંગ્રેસના ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

(12:56 pm IST)