ગુજરાત
News of Friday, 5th March 2021

સાંજે પીએમ મોદી ગુજરાતમાં: કેવડીયામાં સંરક્ષણ વડાઓની પરિષદ રહેશે ઉપસ્થિત

રાજનાથસિંહ-અજીત ડાભોલનું આગમન: આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે પહોંચ્યા

અમદાવાદ : વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ આજે સાંજે અમદાવાદ આવીને કેવડિયા કોલોની જશે, જ્યાં રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સમાં તેઓ હાજરી આપશે. આ કોન્ફરન્સમાં દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ડિફેન્સના વડાઓ પણ ઉપસ્થિત રહેશે.
કેવડિયામાં ત્રણ દિવસની રાષ્ટ્રીય જીડી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ રાજનાથસિંહ કેવડિયાના મહેમાન બન્યાં છે. આ સ્થળે સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવેલું છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસન પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવ્યું છે.

કેવડિયામાં ફરી એકવાર વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ધમધમાટ શરૂ થયો છે. કેવડિયા સ્થિત ટેન્ટ સિટીમાં આગામી 3થી 6 માર્ચ દરમિયાન રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સ યોજવામાં આવી છે, જેનો એક સૂચિત કાર્યક્રમ નક્કી થયો છે. પીએમ મોદી 5 માર્ચે કેવડિયા આવશે અને રાત્રિ રોકાણ કર્યાં બાદ બીજા દિવસે રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સના સમાપ્ન સમારોહમાં હાજરી આપશે.

ડીજી કોન્ફરન્સ પૂર્વે દેશના આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે કેવડિયાની મુલાકાત લીધી હતી. હેલિકોપ્ટર દ્વારા સીધા કેવડિયા કોલોની પાસે હેલિપેડથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર વિસ્તાર જોઇને ટેન્ટ સિટી હોલ સહિતની તમામ જગ્યાનું નિદર્શન કર્યું હતું. કેવડિયા સ્થિત ટેન્ટ સિટીમાં આ કોન્ફરન્સ યોજાઇ રહી છે જેમાં સંરક્ષણ મંત્રી સાથે રાજ્ય કક્ષાના મંત્રી અને ડિફેન્સના ઉચ્ચ અધિકારીઓ ટેન્ટ સિટી-1 ખાતે રોકાણ કરી રહ્યાં છે

 

ડિફેન્સની કોન્ફરન્સમાં દેશની અલગ અલગ સુરક્ષા એજન્સીઓના વડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે. નરેન્દ્ર મોદી આ કાર્યક્રમના સમાપ્ન સમારોહમાં આવી રહ્યાં છે. દેશના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ ડિફેન્સ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદી વડોદરા એરપોર્ટથી ડેલીગેટ્સ સાથે હેલિકોપ્ટરના માધ્યમથી કેવડિયા પહોંચશે. આ કાર્યક્રમના કારણે ગરૂડેશ્વરના સમગ્ર વિસ્તારને 'નો ડ્રોન ઝોન' જાહેર કરી દેવાયો છે અને સાતમી માર્ચ સુધી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

(10:54 am IST)