ગુજરાત
News of Friday, 5th March 2021

સુરત, વડોદરા અને રાજકોટમાં વિદ્યાર્થીઓ કોરોનાની ઝપટે ચડતા કેન્દ્ર સરકારે તાકીદે ટીમને ગુજરાત મોકલી

કેન્દ્રીય ટીમ વડોદરાની સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી

 

અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાતમાં કોરોના સંકટ ઘેરું બની રહ્યું છે, રાજ્યમાં સુરત, વડોદરા અને રાજકોટમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા કેન્દ્ર સરકારે તાબડતોબ ટીમને ગુજરાત મોકલી છે

 અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધતા કેસને લઈ કેન્દ્રીય ટીમ વડોદરાની મુલાકાતે પહોંચી છે. હાલ મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કેટલીક ક્ષતીઓ સામે આવતા દૂર કરવાના આદેશ પણ કર્યા હતા.

તો કેન્દ્રની ટીમે વિવિધ વિસ્તારોમાં ફરી કોરોનાની સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. જણાવી દઇએ કે, ગઈકાલે વડોદરામાં કોરોનાના 48 કેસ પોઝિટિવ આવ્યા હતા. તો આજે પણ સુરતમાં નાના વરાછાની શાળાના 5 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓમાં ફફડાટ પેસી ગયો છે. ધોરણ 7ના 5 વિદ્યાર્થીઓને કોરોના સંક્રમિત થયા છે. જેને પરિણામે પ્રાથમિક વિભાગ 14 દિવસ પૂરતો બંધ કરવામાં આવ્યો છે.

વડોદરાની આનંદ વિધા વિહાર સ્કુલના વિધાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. 3 વિધાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્કૂલ એક સપ્તાહ માટે બંધ કરાઇ છે. ગોત્રી વિસ્તારમાં આવી છે આનંદ વિધા વિહાર શાળામાં વાલીઓમાં ફફડાટ પેસી ગયો છે.

રાજકોટમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. મેડિકલ કોલેજના 10 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત સામે આવતા શિક્ષણકાર્ય ઓનલાઇન કરવામાં આવ્યું છે. ત્યારે આ મામલે મેડિકલ કોલેજના ડીન દ્વારા તત્કાલીન બેઠક બોલવાઈ હતી અને વિદ્યાર્થીઓને તત્કાલીન વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

અમદાવાદમાં કોરોનાએ ફરી રફ્તાર પકડી છે. ચૂંટણી બાદ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઇકાલે શહેરમાં કોરોનાના 117 કેસ નોંધાયા છે. ગોતા, બોડકદેવ, થલતેજ, જોધપુર વિસ્તારમાં કેસ વધ્યા છે. નવા 86 ઘરોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે અને આજથી ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કીનિંગની કામગીરી હાથ ધરાશે.

એક દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા 475 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાથી 358 દર્દીઓ સ્વસ્થ થયા છે જ્યારે રાજ્યમાં કોરોનાથી એક દિવસમાં 1નું મૃત્યુ થયુ છે. ગુજરાતમાં કોરોનાના એક્ટીવ કેસ 2 હજાર 638 છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 2 લાખ 71 હજાર 245 નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4 હજાર 412 થયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 2 લાખ 64 હજાર 195 છે.

(1:09 am IST)