ગુજરાત
News of Friday, 5th March 2021

સુરતના વાવ ગામે ગોલ્ડન નેસ્ટ પ્રોજેક્ટમાં કરોડોનું ભોપાળુ કરનાર સામે પોલીસ ફરિયાદ

અનેક લોકોને છેતરી રૂ. 23 કરોડની રકમ ચાઉં કરનાર સામે સુરત રેન્જ એડી ડીજી ડો રાજકુમાર પાંડિયનની સૂચના અને માર્ગદર્શન મુજબ કામરેજ પોલીસે ગુનો દાખલ કર્યો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : સુરતના કામરેજ પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતા વાવ ગામે ગોલ્ડન નેસ્ટ પ્રોજેક્ટ અંતર્ગત રાજુ રવજી દેસાઇએ અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી પાડ્યા હતા. વર્ષ 2013 થી વર્ષ 2019 સુધી તેણે આ ગોરખ ધંધો કર્યો હતો. જેની વિરૂદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
સવાવ ગામે બનનારા ગોલ્ડન નેસ્ટ પ્રોજેક્ટની જમીનનો માલિકી હક ધરાવતો ન હોવા છતાં રાજુ રવજી દેસાઇ તેના મેનેજર રાજેશ અમરસિંહ ટાટમિયા અને વિપુલ દેસાઇએ પ્લોટમાં પ્રોજેક્ટ બનાવવાના પેમ્ફલેટો છાપી અનેક પ્લોટ હોલ્ડરો પાસેથી રૂ. 23 કરોડની ઉઘરાણી કરી લીધી હતી. ત્યારબાદ તેણે આ પ્રોજેક્ટ અધુરો છોડી દીધો હતો. તેની ઠગ ટોળકીએ પ્લોટ હોલ્ડરો હિતેશભાઇ બાબુભાઇ ભાદાણી રહે સુરતને તેમજ તેની સાથે અનેકોને પ્લોટનો કબજો આપ્યો નથી, તેમજ તેમનું બાંધકામ પણ પૂર્ણ કર્યું નથી. તેમને કોઇ પણ પ્રકારનો દસ્તાવેજ પણ કરી આપ્યો નથી. આ પ્રોજેક્ટમાં પૈસા રોકનારા તેની વિરૂદ્ધ પોલીસ ફરિયાદની વાત કરતા તો તે બધાને મારવાની વાત કરતો હતો. જેના પગલે લોકોએ તેની વિરૂદ્ધ અત્યાર સુધી ફરિયાદ કરી ન હતી. જોકે, હવે તેની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થતાં પોલીસે તેના થકી છેતરાયેલાની તપાસ હાથ ધરી છે. તેમજ તેની કડક હાથે પુછતાછ હાથ ધરી છે.

(7:54 pm IST)