સુરતના રિંગરોડ નજીક માર્કેટના વેપારી પાસેથી 1.37 લાખની સાડી મંગાવી રાજસ્થાનના પિતા-પુત્રએ છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ
સુરત: શહેરના રીંગરોડ જે.જે.એસી માર્કેટના વેપારી પાસેથી રૂ.1.37 લાખની સાડી મંગાવી રીંગરોડ આનંદ નિવાસ ખાતે વેપાર કરતા પિતા-પુત્રએ રાજસ્થાનની જે પાર્ટીઓના નામે સાડી મંગાવી હતી તેમને આપવાને બદલે બારોબાર વેચી નાંખી વેપારીને પણ પેમેન્ટ નહીં કરતા સલાબતપુરા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં સીટીલાઇટ અગ્રસેન ભવનની બાજુમાં રોયલ કેશલમાં રહેતા 40 વર્ષીય પ્રકાશભાઇ કનવરલાલ ચોપરા રીંગરોડ જે.જે.એસી માર્કેટમાં શ્રી લક્ષ્મી ડિઝાઈનરના નામે સાડીનો વેપાર કરે છે. એપ્રિલ 2016 માં મૂળ રાજસ્થાનના ભીલવાડાના વતની અને સુરતમાં રીંગરોડ આનંદ નિવાસ ખાતે પન્નાલાલ એન્ડ કંપનીના નામે વેપાર કરતા પિતા-પુત્ર જવાહરલાલ માલીરામજી અગ્રવાલ (પ્રહલાદકા) અને અભિનવ તેમને મળ્યા હતા. પિતા-પુત્રએ અમારી સુરત અને બહાર ઘણી પાર્ટીઓ છે, જો અમારી સાથે વેપાર કરશો તો ઘણો ફાયદો થશે અને સમયસર પેમેન્ટ મળશે તેવી વાત કરતા પ્રકાશભાઈએ તેમની સાથે વેપાર શરૂ કર્યો હતો.પિતા-પુત્રએ શરૂઆતમાં સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યો હતો.