ગુજરાત
News of Sunday, 5th January 2020

શિક્ષણધામોએ યુવાનોને વિશ્‍વભરનું જ્ઞાન પીરસીને વિશ્‍વના પડકારો ઝીલવા સક્ષમ બનાવ્‍યાં : વિજયભાઇ રૂપાણી

વડોદરામાં આંતરરાષ્‍ટ્રીય યુવા મહોત્‍સવમાં મુખ્‍યમંત્રીનું પ્રેરક ઉદ્બોધન

વડોદરા :    મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, યુવા શક્તિ જ સાચી રાષ્ટ્ર શક્તિ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સશક્ત ભારત, નયા ભારતના નિર્માણનો ભેખ ધર્યો છે ત્યારે હરિપ્રસાદ સ્વામી જેવા ઉત્તમ ગુરુઓ અને સંતો દ્વારા શિક્ષિત અને દીક્ષિત યુવા પેઢી એમની સાચી તાકાત બને એવું તેમણે આહ્વાન કર્યું હતું.

તેમણે જણાવ્યું કે ગાંધીજી અને સરદાર સાહેબની જોડીએ દેશને સ્વતંત્રતા અપાવી. હવે મોદી અને અમિત શાહની જોડી દેશને સ્વરાજ્યથી સુરાજ્ય તરફ લઈ જઈ રહ્યા છે ત્યારે યુવાનો તેમની તાકાત બને એવો અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરાના આંગણે ચાલી રહેલા આંતરરષ્ટ્રીય  આત્મીય યુવા મહોત્સવના મંચ પર આ પ્રસંગના પ્રેરક અને યુવાશક્તિંના માર્ગદર્શક સ્વામી હરિપ્રસાદજીની ભાવ વંદના કરવાની સાથે તેમનું આત્મીય અભિવાદન કર્યું હતું. તેની સાથે જ મહોત્સવમાં ભાગ લઈ રહેલા દેશ વિદેશના હજારો આત્મીય યુવાઓએ મુખ્યમંત્રીશ્રીને હર્ષોલ્લાસ સાથે વધાવી લીધા હતા.

        મુખ્યમંત્રીશ્રીની સાથે ગુજરાત વિધાસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલે પણ સ્વામીજીની ભાવ વંદના કરી હતી. સ્વામીજીએ મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોને સર્વ કલ્યાણના શુભ આશિષ સ્નેહપૂર્વક પ્રદાન કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર રાજ્યની પ્રજા વતી સ્વામીજીને વિશિષ્ઠ હાર પ્રદાન કર્યો હતો અને સમગ્ર ગુજરાતની પ્રગતિ અને વિકાસના આશિષ પ્રાપ્ત કર્યા હતા. સંતોએ મુખ્યમંત્રીશ્રીને પ્રસાદી પુષ્પમાળાથી આવકારવાની સાથે આત્મીય યુવા મહોત્સવનું સ્મૃતિ ચિન્હ પ્રદાન કરી તેમને સન્માન્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ હરિધામ સોખડા દ્વારા હરિપ્રસાદ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ એક દાયકાથી યોજવામાં આવતા આત્મીય યુવા મહોત્સવને બિરદાવતા જણાવ્યું કે, આ મહોત્સવોએ શિસ્તબદ્ધ, સમાજને ઉપયોગી, સક્ષમ અને સન્માનને પાત્ર યુવા સમુદાયનું ઘડતર કર્યું છે. આવી શિક્ષિત, દીક્ષિત અને લાયક યુવા શક્તિ જ દેશની તાકાત બની રહી છે.

તેમણે જણાવ્યું કે, સ્વામીજી સંચાલિત આત્મીય યુનિવર્સીટી અને શિક્ષણધામો યુવાનોને વિશ્વભરનું જ્ઞાન પીરસીને દેશના યુવાનોને વિશ્વના પડકારો ઝીલવા સક્ષમ બનાવે છે.

        યુવાનો દિશા ચૂક્યા છે, ભ્રમિત છે એવી વાતો ખોટી છે એવી લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વિરાટ આત્મીય યુવા મહોત્સવમાં ઉપસ્થિત યુવા શક્તિ યુવાનો સાચી દિશામાં હોવાની અનુભૂતિ અને પ્રતીતિ કરાવે છે. ભારતની ઉજ્જવળ ગુરુ પરંપરાનો દાખલો ટાંકી તેમણે જણાવ્યું કે, હરિપ્રસાદ સ્વામીજી જેવા સમર્થ ગુરુ અને સંત સમુદાયનું માર્ગદર્શન મેળવનારા યુવાનો ખરેખર ભાગ્યશાળી છે.

        મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે રાજ્ય સરકારે છેલ્લા એક વર્ષમાં ૧.૨૫ લાખ યુવાનોને સરકારી નોકરીમાં ભરતી કર્યા છે. વર્ષ ૨૦૨૦માં વધુ ૩૫૦૦૦ હજાર યુવાનોની ભરતી કરવામા આવશે. આ ઉપરાંત ખાનગી, મેન્યુફેકચરીંગ, તેમજ સેવા ક્ષેત્રમાં ૧૨ લાખથી વધુ યુવાનોને રોજગારી મળી રહે તે  દિશામાં સરકાર આયોજનબધ્ધ રીતે આગળ વધી રહી છે.

મુખ્મંત્રીશ્રીએ જણાવ્યું કે, બે દાયકા અગાઉ ગુજરાતમાં માત્ર ૧૧ યુનિવર્સિટી હતી જે આજે ૭૬ છે. રાજ્યમાં ૯ મેડિકલ કૉલેજ હતી આજે ૨૯ છે. મેડિકલની બેઠકો ૯૦૦ થી વધી ૫૫૦૦ થઈ છે.

તેમને ઉમેર્યું કે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ રાજ્યમાં અર્નિંગ વીથ લર્નિંગના અભિગમ સાથે ૭૫૦૦૦ યુવાનોને તાલીમ આપવામાં આવી રહી છે. વિવિધ ક્ષેત્રોમાં સંશોધન કરતા યુવાનોને રૂ.૧૫૦૦૦ દર માસે સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.

આ અવસરે સંતો મહંતો સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતાં.

(2:07 pm IST)