ગુજરાત
News of Sunday, 5th January 2020

જીમમાં જવા માટે કહી પત્નિ જુગાર રમવા માટે જતી હતી

જુગારી પત્નિનો કિસ્સો રાજકોટમાં ટોક ઓફ ધ ટાઉન : જુગારી પત્નિથી હેરાન પતિની આખરે પોલીસમાં ફરિયાદ

અમદાવાદ, તા.૪ : રાજકોટમાં જીમમાં જવાનું કહીને એક પત્ની જુગાર રમવા જતી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઇ છે. જુગારી પત્નીથી ત્રસ્ત પતિએ પોલીસમાં સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધાવી છે. પત્ની જુગારમાં રૂ.૧૨ લાખથી વધુ રકમ હારી ગઇ હોવાની વાત સામે આવી છે. હાલ તો, જુગારી પત્નીનો કિસ્સો રાજકોટમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના અંકિત ભીમાણી નામનો કરિયાણાનો વેપારી મેઘાણીનગરમાં રહે છે. તેણે પોતાની પત્ની અંકિતા સામે ભક્તનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઁધાવી છે. પતિએ જ પત્ની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે ફરિયાદમાં જણાવ્યું કે, તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા અમદાવાદમાં રહેતી અંકિતા આરદેશણા સાથે થયા હતા.

                નવરાત્રિના આઠમા નોરતે મારી પત્ની કોઈને કહ્યા વગર પોતાના પિયર જતી રહી હતી. જેના બાદ અમને માલૂમ પડ્યું કે, તે જુગારમાં રૂ.૧૨ લાખ રૂપિયા હારી ગઈ હતી. પતિએ પોલીસને જણાવ્યું કે, તેની પત્ની એકતા રોજ સવારે ૧૧ વાગ્યે જિમમાં જતી હતી, પરંતુ તે જીમના બહાને હકીકતમાં જુગાર રમવા જતી હતી તે મને ખબર ન હતી. પરંતુ એક દિવસ અલ્કાબેન નામની મહિલા અમારા ઘરે આવી હતી, અને તેણે કહ્યું કે, એકતા જુગારમાં ૧૨ લાખ રૂપિયા હારી ગઈ છે. તેની ઉઘરાણી અમે કરવા આવ્યા છે.

           ત્યારે અમે ઘરની તિજોરી ચકાસી, તો તેમાંથી સોનાનો હાર, કાનની બુટ્ટી, સોનાની લકી, વિંટી સહિત કુલ ૬ લાખ જેટલા રૂપિયાના દાગીના ગાયબ હતા. એકતાને પૂછતા તેણે સ્પષ્ટ કર્યું કે, જુગારના રૂપિયા હારી જતા તેણે દેવુ ચૂકવવા આ દાગીના ચોર્યા હતા. આ દાગીનાને ગીરવે મૂકીને તેણે લોન લીધી છે. એટલું જ નહિ, અંકિતાએ લીધેલા રૂપિયાની વસૂલાત અંકિત ભીમાણીના પરિવાર પાસેથી કરવામાં આવી રહી હતી. રૂપિયાની ઉઘરાણી કરવા મામલે તેના મકાન પર પથ્થરમારો પણ કરાયો હતો. ત્યારે અંકિત ભીમાણીએ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેને લઇ હવે પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

(9:48 pm IST)