ગુજરાત
News of Saturday, 5th January 2019

" પક્ષ જે જવાબદારી સોંપશે તે સ્વીકારવા તૈયાર છું - હાલ પૂરતી નાયબ મુખ્યમંત્રીની વાતમાં કોઈ તથ્ય નથી " કુંવરજી બાવળીયા

રાજકોટ :જસદણ પેટ ચૂંટણીમાં વિજેતા થયેલા ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા નાયબ મુખ્યમંત્રી  બનાવવાના સમાચાર પ્રકટ થયા બાદ કુંવરજીભાઈએ આ બાબતે સ્પષ્ટતા કરી છે કે, આ બાબતમાં કોઈ તથ્ય નથી, અમે પાર્ટીના આદેશ ઉપર ચાલીયે છીએ.

'વડાપ્રધાન મોદી અને પાર્ટીના અધ્યક્ષ અમિતભાઈ  શાહની શુભેચ્છા મુલાકાત માટે ચૂંટણી જીત્યા બાદ હું દિલ્હી તેમને મળવા ગયો હતો. કોઈ આ પ્રકારના સમાચાર ચલાવે તો તેમાં કોઈ તથ્ય નથી. અમે પક્ષને આદેશને શિરોમાન્ય કરીને ચાલનારા છીએ' ,તેવું બાવળિયાએ ઉમેર્યું હતું

   જ્યાં સુધી 'અખિલ ભારતીય કોળી સમાજ' ના પ્રમુખ પદે બિરાજવાની વાત છે ત્યાં સુધી તેમણે એ જણાવ્યું હતું કે, હું સમાજની સેવા કરતો રહીશ. સૌરાષ્ટ્રમાં અમારી જ્ઞાતિ, પાટીદાર કે અન્ય કોઈ સમાજની વ્યક્તિના વિકાસ માટે હું સતત તત્પર રહીશ તેવું તેમને ઉમેર્યું હતું.
  આ પૂર્વે રાજકોટ સ્થિત એક સમાચાર પોર્ટલ દ્વારા ટૂંક સમયમાં કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે તેવા સમાચારો વહેતા થતા ગુજરાતના રાજકીય વર્તુળોમાં ફરી એક વખત ગરમાવો આવ્યો હતો. જો કે, આ અંગેનો રદિયો 'પક્ષના આદેશને સ્વીકારીશ' તેમ કહીને બાવળિયાએ હાલના તબક્કે આપી દેતા, હાલ પૂરતું તો આ મામલે પૂર્ણવિરામ આવી ગયું છે

(11:36 pm IST)