ગુજરાત
News of Saturday, 4th December 2021

નવસારીમાં દીપડાનો વધતો આતંક : પંચ જેટલા બકરાનું મારણ કરતા ખેડૂતોમાં ફફડાટ

દીપડાઓથી બચવા માટે વિવિધ નુસ્ખાઓ અજમાવી ખેતરોમાં શેરડી કાપવા માટે જાય છે. :દીપડાઓનાં વધુ પગ પેસારાને અટકાવવા જીલ્લામાં ટ્રેકિંગ સેન્ટર બને તેવી પણ માંગ

નવસારીમાં ખેતરોમાં દિપડાનો ભયને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. દિપડાએ છેલ્લા એક સપ્તાહમાં પાંચ જેટલા બકરાઓના મારણ કર્યા છે. તો બીજી બાજુ રાનકુવા અને ફડવેલ ગામોમાં અવારનવાર દીપડાઓ દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તાલુકા ક્ષેત્રે વિવિધ ટીમો બનાવી એનજીઓના સહકાર દ્વારા રેકી કરી આવા વિસ્તારોમાં દીપડાઓ પર નજર રાખવામાં આવી રહી છે.

નવસારી જીલ્લામાં ગણદેવી તાલુકામાં સૌથી વધુ દીપડાઓ રહેતા હોવાનું આંકલન વનવિભાગે કર્યું છે. હાલ ખેડૂતોની વાત કરીએ તો હાલ શેરડી પકવતા ખેડૂતોએ શેરડીની કાપણી શરુ કરી છે. પરંતુ આવા સમયે જંગલ વિસ્તારથી ખોરાકની શોધમાં દીપડા માનવ વસ્તી નજીક આવી ખેડૂતો માટે ખતરારૂપ બની ચુક્યા છે. જેને પગલે ખેડૂતો ખેતરોમાં જવા પહેલા દીપડાઓથી બચવા માટે વિવિધ નુસ્ખાઓ અજમાવી ખેતરોમાં શેરડી કાપવા માટે જાય છે. થાળીઓ વગાડી અથવા તો ફટાકડા ફોડી ખેતરોમાં પ્રવેશ કરે છે જેથી દીપડાઓ કે અન્ય જંગલી જનાવર હોય તો ત્યાંથી પલાયન કરી જાય છે.

નવસારી જીલ્લામાં અનેક રહેણાંક વિસ્તારોમાં દીપડાઓનાં વધુ પગ પેસારાને અટકાવવા જીલ્લામાં ટ્રેકિંગ સેન્ટર બને તેવી પણ માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. જેથી જાનવરોની ગતી વિધિઓ પર નજર રાખી શકાય. પરંતુ હાલ ખેડૂતો થાળી-વાટકા વગાડી અથવા બોમ્બ-ફટાકડા ફોડી દીપડાઓને ભગાડવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી યોગ્ય પગલાઓ નહીં લેવાય ત્યાં સુધી ખેડૂતોના માથે ભય મંડરાતો રહેશે.

(10:00 pm IST)