ગુજરાત
News of Saturday, 4th December 2021

મહિલાઓ પાસે ભરપુર તાકાત છે, નિષ્ઠા અને ઇમાનદારી સાથે સેવા-સમર્પણ ભાવ પણ મહિલાઓમાં હોય છેઃ ડો.નિમાબેન આચાર્ય

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને છાત્રા સંમેલન 'સ્વયંસિધ્ધા' સંપન્નઃ સિધ્ધપુર નર્સીગ કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા આયોજન

 પાટણ, તા., ૪: સિદ્ઘપુર નર્સિંગ કોલેજ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છાત્રા સંમેલન સ્વયંસિદ્ઘા યોજાયું. વિધાનસભાના અધ્યક્ષ તથા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો દ્વારા દિપ પ્રાગટ્ય કરી સંમેલનનો શુભારંભ કરવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી ડાઙ્ખ.નીમાબેન આચાર્યએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ કહેતા કે જે દેશમાં મહિલાઓની સંખ્યા ૫૦ ટકાથી વધુ હોય તેવા દેશનો વિકાસ મહિલાઓના વિકાસથી જ શકય છે. દિકરીને ભણાવવાની ભીક્ષા માગવાથી લઈ મહિલાઓના વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપી. મને સ્પીકર તરીકેની જવાબદારી સોંપવામાં આવી તેમાં આપણા નેતૃત્વની મહિલાઓની શકિત પરના વિશ્વાસની પ્રતિતિ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્તવ્યનો નવો મંત્ર આપ્યો છે.

 મહિલાઓ પાસે ભરપૂર તાકાત છે, નિષ્ઠા અને ઈમાનદારી જેવા અનેક ગુણો સાથે સેવા-સમર્પણ ભાવ પણ મહિલાઓમાં હોય છે. હવે મહિલાઓ પરિવાર સંભાળવા સાથે આર્થિક ઉપાર્જન પણ કરતી થઈ છે. સખીમંડળોને પ્રાથમિકતા સાથે અનેક સુવિધાઓ આપવાથી મહિલાઓ કૌશલ્યવર્ધન થકી આત્મનિર્ભર બની રહી છે. કોરોનાકાળમાં તબીબોની સાથે પેરામેડિકલ સ્ટાફની ડ્યુટી પડકારજનક હતી, તેને પણ જીવની પરવા કર્યા વગર સમર્પણ ભાવથી નિભાવી તે તમામ નર્સિંગ સ્ટાફની સેવાને વંદન કરું છું.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિશે વાત કરતા પરિષદના ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ પારૂલબેન મોદીએ જણાવ્યું કે, આઝાદી પછી દેશના વિકાસનું લક્ષ્ય હતું, આઝાદી મેળવવાની હતી ત્યારે દેશ માટે મરવાનો નારો હતો ત્યારે તા. ૦૯ જુલાઇ, ૧૯૪૯ના દિવસે દેશ માટે જીવવાના સૂત્ર સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્થાપના કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ભણતરની સાથે દેશના વિકાસ માટે શું યોગદાન આપી અને યુવાશકિતનો યોગ્ય ઉપયોગ થાય તે માટે વિદ્યાર્થી પરિષદની સ્થાપના કરવામાં આવી હતી.

આ સંમેલનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ ડો.લક્ષ્મણભાઈ ભુતડિયા, પાટણ જિલ્લા સંયોજક વિશ્વાસસિંહ જાદવ, સિદ્ઘપુર નર્સિંગ કોલેજના આચાર્ય તેજલબેન સુથાર, પરિષદના હોદ્દેદારો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં છાત્રાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(2:17 pm IST)