ગુજરાત
News of Friday, 4th December 2020

કૃષ્ણનગર દુષ્કર્મ કેસની ફરિયાદ રદ કરવા બિલ્ડર સુનિલ ભંડારીની હાઈકોર્ટમાં અરજી

સીટી સિવિલ અને સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવ્યા બાદ સુનિલ ભંડારી હાઇકોર્ટના શરણે

અમદાવાદ :વર્ષ 2017માં કૃષ્ણનગરની પરણિતાનો ન્યૂડ વિડીયો ઉતારી તેને બ્લેક મેલ કરી તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચરનાર કેસમાં આરોપી બિલ્ડર સુનિલ ભંડારીએ ગુજરાત હાઈકોર્ટમાં FIR રદ કરાવવા માટે અરજી દાખલ કરી છે.

હાઈકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. સુનિલ ભંડારી દ્વારા કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદ રદ કરાવવા માટે અરજી દાખલ કરવામાં આવી છે. એટલું જ નહિ આરોપી પર સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાંથી ભાગી જવાનો પણ આક્ષેપ છે. કૃષ્ણનગર કેસમાં ધરપકડ બાદ આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં તૈનાત બે પોલીસ કર્મીઓને ચકમો આપી આરોપી ભાગી છૂટયો હતો. આ કેસમાં બંને પોલીસ કર્મચારીઓ સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટે સુનિલ ભાંડેરીની જામીન અરજી ફગાવી દીધી છે. ત્યારબાદ હવે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી FIR રદ કરાવવા ગુજરાત હાઈકોર્ટના શરણે આવ્યો છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે વર્ષ 2017માં પરણિત પીડિતા અને આરોપી લગ્ન પ્રસંગમાં મળ્યા હતા. ત્યારબાદ આરોપી પરણિતાના પતિનો ઓળખીતો હોવાથી વારંવાર કોઈને કોઈ બહાને ઘરે આવતો હતો અને એકવાર બપોરે બધાની ગેરહાજરીમાં તેણે પીડિતાને નશીલી ચોકલેટ ખવડાવી અશ્લીલ વિડીયો કેમરામાં રેકોર્ડ કરો લીધો હતો અને તેને વાઇરલ કરવાની ધમકીએ બે-વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું.

(11:26 pm IST)