ગુજરાત
News of Friday, 4th December 2020

ખેરગામ વસુધારા ડેરીમાં ભ્રષ્ટાચારના તપાસની માગ

મંડળીના ચેરમેનની ઉચ્ચકક્ષાએ રજૂઆત : સરકારી-સહકારી નિયમો નેવે મૂકીને પ્લાન્ટના બાંધકામ, જમીન અને મશીનરી ખરીદીમાં કરોડોનો ભ્રષ્ટાચાર

ચીખલી ,તા. : ખેરગામ ખાતે વસુધારા ડેરી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ પશુ આહાર પ્લાન્ટના નિર્માણમાં વસુધારા ડેરીના કારભારીઓ દ્વારા સરકારી અને સહકારી નીતિનિયમ નેવે મૂકી પ્લાન્ટ બાંધકામ, જમીન ખરીદી, માટી પુરાણ અને મશીનરી ખરીદીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરતા દૈનિક ૩૦૦ ટન પશુ આહાર પ્લાન્ટમાં દૈનિક ફક્ત ૫૦ ટનનું ઉત્પાદન થતાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થવા સામે મજીગામ દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન સ્નેહા સિદ્ધાર્થ દેસાઇએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી સાથે નાણાં વસૂલવાની કાર્યવાહી કરવાની માગ કરી છે.

મજીગામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ સ્નેહા દેસાઇએ ખેરગામ ખાતે નિર્માણ પામેલા પશુ આહાર પ્લાન્ટના નિર્માણ બાબતે ૨૨ જેટલા મુદ્દાઓ ઉઠાવી જેમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવા સાથે જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી સાથે નાણાં વસૂલવાની માંગ કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે સહકારી સંસ્થાને જમીનની જરૂરિયાત હોય ત્યારે પ્રથમ સરકાર પાસેથી જમીન મેળવવાની માગણી કરવી જોઈએ જેથી સંસ્થાને નજીવા ભાવે જમીન મળી શકે, જમીન ખરીદવા માટે જમીન પસંદગી સમિતિની રચના કરવામાં આવેલ છે કે કેમ ? ખેરગામ ખાતે ખરીદવામાં આવેલી જમીન જમીન પસંદગી સમિતિએ પસંદ કરેલ છે કે કેમ ? જરૂરિયાત મુજબની જમીન મેળવવા માટે છાપામાં જાહેરાતો આપવામાં આવેલ છે કે કેમ ? ખેરગામવાળી પશુઆહાર પ્લાન્ટની જમીનના ભાવતાલ નક્કી કરવામાં બોર્ડની કોઈ ભૂમિકા હતી કે કેમ ? જમીનના ભાવતાલ શરતો કોણે નક્કી કરેલા, ભાવતાલ શરતો નક્કી કરવાની સત્તા બોર્ડે એમ.ડી વશીને સત્તા આપતો ઠરાવ કરેલ છે કે કેમ ? કે પછી મનસ્વી રીતે એમ.ડી વશીએ ભાવતાલ શરતો નક્કી કરેલ, જમીનની કિંમત કેટલી પશુદાણ પ્રોજેકટ કયા વર્ષમાં પૂર્ણ કરી ઉત્પાદન કરતો કરવાનું નક્કી થયેલ, પ્રોજેકટ પાછળ વર્ષવાર થયેલ ખર્ચની વિગતવાર માંગવા સાથે પ્રોજેકટ અકલ્પનીય ભાવ વધારા બાબતે એમ.ડી વશીએ બોર્ડને જાણકારી આપેલ કે કેમ ? તેની વિગત માંગવામાં સાથે અકલ્પનીય ભાવ વધારાને એજન્ડા ઉપર લઈ તેની ચર્ચા બોર્ડમાં કરવામાં આવી હોય અને ભાવવધારો વ્યાજબી કરેલ વધુ ખર્ચ કરવાનો ઠરાવ થયેલ છે કે કેમ ? અને ઠરાવ થયેલ હોય તો તેની વિગત અને જે પ્લાન્ટની જમીનનું માટી પુરાણના ૧૨ કરોડ રૂપિયા બતાવવામાં આવેલ છે. તે સાચું છે અને અંદાજ મુજબ ફૂટ માટીકામના તે દિવસોમાં ૨૫ લાખથી વધુનો ખર્ચ નહીં થાય જે બાબતે ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે. પ્રોજેકટ ૩૦૦ ટન દૈનિક ક્ષમતાએ પહોંચી શકયો નથી વર્ષ ૨૦૧૭-૧૮ના વાર્ષિક અહેવાલમાં ચેરમેનનું એવું નિવેદન છે કે કેટલીક ગૂંચોને કારણે પ્લાન્ટ કાયમી ધોરણે શરૂ થયો નથી. તો ગૂંચ શું છે તે જણાવવા સાથે ૩૦૦ ટન દૈનિક ક્ષમતાની સામે ૫૦ ટન દૈનિક દાણનું ઉત્પાદન થાય છે અને પ્લાન્ટ ખરાબ છે તેવું જણાવતા નથી. અને પ્રોજેકટનું બાંધકામ તેમજ મશીનરી ઇરેકશનમાં કામ માટે ટેન્ડરો બહાર પાડવામાં આવેલ છે કે કેમ ? અને પ્રોજેકટના જાણકાર આર્કિટેકની નિમણૂંકનો ઠરાવ કરેલ છે કે કેમ તેની વિગતવાર માહિતી સાથે પ્રોજેકટ માટે જરૂરી સરકારની તેમજ રાષ્ટ્રીય હિત વિકાસ બોર્ડ તથા ગુજરાત કો. ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની મંજૂરી મેળવવામાં આવેલી છે કે કેમ અને પ્લાન્ટ ખરીદીને થી વર્ષ સુધી દેગામ ખાતે મૂકવામાં આવેલ તે બાબતે બોર્ડમાં ચર્ચા વિચારણા થયેલી કે કેમ ? અને પ્રોજેકટના બાંધકામ કોન્ટ્રાકટર તેમજ મશીનરી ઇરેકશન કોન્ટ્રાકટર કંપનીના નામ અને વર્ક ઓર્ડર કોણે આપેલ અને બાબતની જાણકારી બોર્ડ પાસે હતી કે કેમ જેવા બાવીસ ગંભીર મુદ્દાઓ ઉપર પ્રશ્ન ઉઠાવી વિગતવાર માહિતી મજીગામ મંડળીના ચેરમેન સ્નેહબેન દેસાઇએ માંગી પત્ર વસુધારા ડેરીના ચેરમેન તેમજ સચિવ કૃષિ અને સહકાર વિભાગ ગાંધીનગર, સહકારી મંડળી રજીસ્ટાર ગાંધીનગર, કલેકટર નવસારી, જિલ્લા રજીસ્ટાર નવસારી અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ આણંદ, ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આણંદને જાણ કરતો પત્ર પાઠવી વિગત માંગવામાં આવતા વસુધારા ડેરીના કારભારીઓ દોડતા થઈ જવા સાથે રાજકીય, સહકારી શરણું શોધી ઘીના કામમાં ઘી સમાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હવે વસુધારા ડેરી વિશ્વાસની પરંપરા રહેવાની જગ્યાએ અવિશ્વાસની પરંપરા સાબિત થઈ રહેલી જણાતા ખેડૂતો, પશુપાલકોમાં અનેક ચર્ચા ઉઠવા પામી છે.

(9:04 pm IST)