ગુજરાત
News of Friday, 4th December 2020

શોર્ટ ફિલ્મ ડાયરેક્ટર પતિ વિરુદ્ધ પત્નીએ ફરિયાદ કરી

સુરતના પાંડેસરાના જલારામ નગરની ઘટના : યુવતીને લગ્ન બાદ દહેજમાં ૩ લાખ આપ્યા પછી શારીરિક અને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવી હોવાનો આરોપ

સુરત ,તા.૪ : સમાજમાં લગ્ન બાદ પતિ અને સાસરીયા સાથેની મહિલાઓની તકરાર અને માનિસક ત્રાસની એક ભદ્ર સમાજની ચોંકાવનારી હકીકત સામે આવી છે. જેમાં સુરતની યુવતીને લગ્ન બાદ દહેજમાં ૩ લાખ રૂપિયા આપ્યા પછી પણ શારીરિક અને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવી હોવાનો આરોપ મહિલા દ્વારા મૂકવામાં આવ્યો છે. આ ચકચારી કેસમાં સુરતની યુવતીએ શોર્ટ ફિલ્મોનું ડાયરેક્શન કરતા પતિ અને પુણેમાં એનજીઓ ચલાવતા સાસુ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોતાના ફિલ્મ ડાયરેક્ટર પતિના રંગીન મિજાજનો આક્ષેપ મૂકતા તેમના અનૈતિક સંબંધો હોવાનું પણ જણાવ્યું છે. બનાવની વિગત એવી છે કે સુરતના પાંડેસરાના જલારામ નગરમાં રહેતા કેમીકલ બ્રોકર ભીમરાવ બાવીસ્કરની પુત્રી સેજલ ઉર્ફે અર્પિતા ના લગ્ન મે ૨૦૧૬માં શોર્ટ ફિલ્મ, કોર્પોરેટ ફિલ્મ અને કોર્મશીયલ ફિલ્મ ડાયરેક્ટર અભિજીત સુરેશ માનમોડે સાથે થયા હતા. લગ્નના ત્રણેક મહિના બાદ પુણેમાં આઇરાણી કસ્તુરી નામે એનજીઓ ચલાવતી સાસુ વિજયાબેને સ્ટેજ શોમાં કામ કરવાનું કહેતા સેજલે ઇન્કાર કર્યો હતો. આમ વહુના ઇક્નારથી ઘવાયેલી સાસુએ તેને પાઠ ભણાવી દેવા માટે મહેણા-ટોણા મારવાની શરૂઆત કરી હતી.

અવારનવાર સાસુ યુવતીને અપમાનિત કરતા હોવાની રાવ કરવામાં આવી છે. દરમિયાન યુવતીનો ભાઈ બહેનના સાસરે ગયો ત્યારે તેની પાસેથી સોનાના ચેનની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ આ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. જોકે, આ બધાની વચ્ચે સાસરિયાની માંગણી સામે પોતાની લાડકવાયીનો સંસાર બચાવવા યુવતીના પિતાએ ૩ લાખ રોકડા રૂપિયા દહેજ પેટે આપ્યા હતા તેમ છતા પતિ, સાસુ-સસરા, માસી સાસુ અને માસા સસરા અપમાનજકન શબ્દો વાપરતા હતા અને યુવતીને તેમજ તેના પરિવારને તમે ભંગાર ઝુંપડપટ્ટી વાળા છો કહી અપમાનીત કરતા હતા. દરમિયાન આ યુવતીને પોતાના પતિ સાથે ગોવા ફરવા જવાનું આયોજન થયું હતું એ વખતે દીયર રોહિત પણ તેની ગર્લફ્રેન્ડ સાથે આવશે એમ કહેવામાં આવ્યુ હતું જેથી યુવતીને આ વાત યોગ્ય ન લાગતા આ મુદ્દે પણ ઉગ્ર ઝઘડો થયો હતો અને પતિઅભિજીતે યુવતીને ત્રણ-ચાર લાફા ઝીંકી દીધા હતા. યુવતીએ પોલીસ ફરિયાદમાં એમ પણ ઉલ્લેખ કર્યો છે કે તેના પતિ અભિજીતના અંકિતા તુર્ક નામની યુવતી સાથે અનૈતિક સબંધ હોવાની તેને ગંધ આવી જત સાસુએ ધમકી આપી હતી અને કહ્યું હતું કે જો અંકિતા કે તેના પરિવારનો સંર્પક કર્યો છે તો તને અને તારા ખાનદાનના ઘજાગરા ઉડાવી દઈશ.

(7:41 pm IST)