ગુજરાત
News of Friday, 4th December 2020

શાળાના શિક્ષકે છરાના ઘા ઝિંકીને આચાર્યની હત્યા કરી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની ઘટનાથી ચકચાર : હત્યાના આરોપી શિક્ષકના નવમી ડિસેમ્બરે લગ્ન છે

છોટાઉદેપુર,તા.૪ : શિક્ષકના માથે બાળકોના ભવિષ્યનું ઘડતર કરવાની સૌથી મોટી જવાબદારી હોય છે. શિક્ષક સમાજને નવી રાહ ચીંધે છે, પરંતુ છોટાઉદેપુરમાં એક શિક્ષકે હાથમાં છરી લઈને સ્કૂલના આચાર્યની હત્યા કરી નાખ્યાનો બનાવ બન્યો છે. જિલ્લાના નસવાડી તાલુકા ખાતે આ બનાવ બન્યો છે. હત્યા બાદ આરોપી શિક્ષક ફરાર થઈ ગયો છે. એવી પણ માહિતી મળી છે કે હત્યારા શિક્ષકના પાંચ દિવસ બાદ લગ્ન હતા.

બનાવ બાદ પોલીસે આચાર્યના મૃતદેહને પોસ્ટ મોર્ટ માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે. હાલ નસવાડી તાલુકામાં આ મામલો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. ઘટનાની વિગતે વાત કરીએ તો નસવાડી તાલુકાના લિંડા મૉડલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠીયાની હત્યા થઈ છે. હત્યા બીજા કોઈએ નહીં પરંતુ કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક ભરત પીઠીયાએ કરી છે. બંને શિક્ષક એક જ સોસાયટી એટલે કે રામદેવ સોસાયટીમાં રહે છે. પીડિત શિક્ષકની પત્નીના આક્ષેપ પ્રમાણે ભરત પીઠીયા મોટો છરો લઈને આવ્યો હતો અને તેમના પતિ પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં આરોપી શિક્ષકે પીડિત શિક્ષકની પત્ની અને દીકરી પર પણ છરાથી હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ થયેલા શિક્ષકની પત્ની અને દીકરીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હત્યા બાદ આરોપી શિક્ષક ફરાર થઈ ગયો છે. એવી પણ માહિતી મળી છે કે પીડિત આચાર્ય અને આરોપી શિક્ષક પિતરાઈ ભાઈ થાય છે. પ્રાથમિક સ્કૂલના શિક્ષકે શા માટે તેના જ પિતારાઇ ભાઈ એવા આચાર્યની હત્યા કરી નાખી છે તેનું કારણ હાલ જાણવા મળ્યું નથી. એવી પણ માહિતી મળી છે કે હત્યારા શિક્ષકના આગામી ૯મી ડિસેમ્બરના રોજ લગ્ન નક્કી કર્યાં છે. નસવાડીના રામદેવનગરમાં રહેતા લિન્ડા મૉડલ શાળામાં મેરામણભાઈ પીઠીયા પાંચ વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતાં હતા. તેઓ પોતાના પરિવાર સાથે નસવાડીમાં રામદેવનગર સોસાયટીમાં રહેતા હતા. જ્યારે તેમનો પિતરાઈ ભાઈ નસવાડી તાલુકાના કોલંબા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. મળતી માહિતી પ્રમાણે બંને પિતરાઈ પડોશમાં જ રહેતા હતા. હત્યાના ૧૨ કલાક પહેલા જ બંનેએ સાથે ભોજન પણ કર્યું હતું. આ ઘટનામાં ઘાયલ પીડિતની પુત્રી અને પત્નીની હાલ બોડેલી ખાતે સારવાર ચાલી રહી છે. નસવાડી પોલીસ આ કેસમાં મૃતકની પત્નીની ફરિયાદ લઇ કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક ભરતભાઈ પીઠીયાને ઝડપી પાડવાના ચક્રગતિમાન કર્યા છે.

(7:38 pm IST)