ગુજરાત
News of Friday, 4th December 2020

કોરોના ટેસ્ટ માટે ડૉક્ટરની ભલામણ જરૂરી નહીં રહે

રાજ્ય સરકારનો મોટો નિર્ણય : ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ માટે ડૉક્ટરની ભલામણ ચીઠ્ઠીની જરૂર નહીં પડે, વ્યક્તિ સ્વેચ્છાએ ટેસ્ટ કરાવી શકશે

ગાંધીનગર,તા.૪ : રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે કોરોના ટેસ્ટ મામલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે હવે કોઈ પણ વ્યક્તિ ખાનગી લેબમાં ડૉક્ટરની ભલામણ વગર કોરોના ટેસ્ટ કરાવી શકશે. આ પહેલા ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ માટે ડૉક્ટરની ભલામણ ચિઠ્ઠી ફરજિયાત હતી. હવે કોઈ પણ વ્યક્તિ જેને એવું લાગે કે તેને કોરોનાનો ટેસ્ટ કરાવવો છે તે સરકાર તરફથી નક્કી કરવામાં આવેલી ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે કોવિડ-૧૯ના ટેસ્ટ માટે સરકારે કેટલીક ખાનગી લેબને મંજૂરી આપી છે. આ ઉપરાંત સરકારી હૉસ્પિટલો અને જે તે શહેરના તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ ટેન્ટ ઊભા કરીને કોરોના ટેસ્ટ કરવાની કામગારી કરવામાં આવી રહી છે.

            ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પહેલી ડિસેમ્બરના રોજ સરકારે કોરોના ટેસ્ટના ચાર્જમાં ઘટાડાની જાહેરાત કરી હતી. જે પ્રમાણે ગુજરાતમાં હવે કોરોનાના કેસ માટે કરવામાં આવતા આરટી-પીસીઆર ટેસ્ટની કિંમત ૮૦૦ રૂપિયા રહેશે. એટલે કે હવે કોઈ પણ વ્યક્તિ સરકાર તરફથી નક્કી કરવામાં આવેલી ખાનગી લેબોરેટરીમાં ૮૦૦ રૂપિયા ચાર્જ ચૂકવાની આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી શકે છે. આ માટે વ્યક્તિએ લેબ પર જઈને ટેસ્ટ કરાવવો પડશે. બીજા કેસમાં જો વ્યક્તિ લેબકર્મીને ઘરે બોલાવે છે તો તેણે આ માટે ૧,૧૦૦ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. આ પહેલા ગુજરાતમાં ખાનગી લેબ તરફથી આરટી-પીસીઆર ટેસ્ટ માટે ૧,૫૦૦ રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. જો લેબકર્મી ઘરે આવીને સેમ્પલ લઈ જાય તો ૨,૦૦૦ રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. સરકારની નવી જાહેરાતથી કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા લોકોને રાહત મળશે. સાથે જ ઓછી કિંમત હોવાથી વધારે લોકો તેનો લાભ પણ લેશે. ખાનગી લેબ ઉપરાંત સરકાર તરફથી કોરોના અંગેનો ફ્રી ટેસ્ટ ચાલુ છે.

(7:37 pm IST)