ગુજરાત
News of Friday, 4th December 2020

મોડાસામાં બીપીએલ લાભાર્થીઓના ઘરોમાં લગાવવાના મીટરને બરોબર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

મોડાસા: રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓને પોતાના અંગત હિતમાં વાળવા પાવરધા સરકારી બાબુઓ જયારે પોતાના ખીસ્સા ભરી રહે ત્યારે મસમોટું કૌભાંડ સર્જાય છે.આવું વ્યાપક પ્રમાણમાં ફેલાયેલું વીજ મીટર કૌભાંડ સમગ્ર જિલ્લામાં ચગદોળે ચડયું છે અને દલાલો ભૂગર્ભમાં ઉતરી જતાં પ્રકરણે વીજ વિભાગની મહેસાણા સર્કલ ઓફીસ થી તપાસનો ધમધમાટ વર્તાઈ રહયો છે.ગત બુધવારે નગરમાં વીજ વિભાગની ૧૦ ટીમો  દ્વારા સ્થળ તપાસ હાથ ધરાઈ હોવાનું  સૂત્રો જણાવી રહયા છે.પરંતુ મોડાસા વીજ કચેરીના અધિકારીઓની શંકાસ્પદ ચૂપકીદી રહસ્યને ઘેરૂ બનાવી રહી છે. મોડાસા સહિત આસપાસના ગરીબ બીપીએલ લાભાર્થીઓના ઘરોમાં વીજ પ્રકાશ રેલાવી પ્રકાશ ફેલાવવાનું આયોજન રાજય સરકારની વિવિધ યોજનાઓ દ્વારા હાથ ધરાયું છે.

ઝૂંપડપટ્ટીમાં રહેતા,બીપીએલ કે અનામત વર્ગ કેટેગરીના લાભાર્થીઓના જુના મીટર નહી બદલી તેમના નામે મંજૂર થયેલ વીજ મીટર રૂ. હજારમાં વેચી મારવાના કૌભાંડ ના બે દલાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.અને છેલ્લા અઠવાડીયામાં બે વાર મોડાસામાં ઉતારાયેલી તપાસ ટીમ ની કાર્યવાહી ને પગલે નગરમાં તરહ તરહની ચર્ચાઓ ચગદોળે ચડી છે.જો કે તપાસ ટીમોના ખાનગી વાહનોની દોડમદોટ અને કચેરીમાં તપાસનો ધમધમાટ છતાં સ્થાનિક અધિકારીઓની શંકાસ્પદ ચૂપકીદી મસમોટા કૌભાંડે ભીનું સંકેલાઈ રહયું હોવાની શંકાઓ જાણકારોમાં ઉઠી છે.ત્યારે વીજતંત્રના પ્રમાણિક અધિકારીઓ ચકચારી પ્રકરણે દુધનું દુધ અને પાણીનું પાણી સ્પષ્ટ કરે રાજયના હિતમાં જરૂરી બન્યું છે.

(4:50 pm IST)