ગુજરાત
News of Friday, 4th December 2020

અભ્યાસના પુસ્તકોથી કંટાળેલા 2 બાળકો વાપીથી અમદાવાદ પહોંચી ગયા પોલીસે શોધી કાઢ્યા : પરિવારજનો ખુશ ખુશાલ

મધ્યપ્રદેશથી મજૂરી માટે આવેલ પરપ્રાંતીય શ્રમિકોના બે બાળકો ઘરેથી રમવા જવાનું કહીને ચાલી ગયા હતા

(કાર્તિક બાવીશી દ્વારા)વાપીના વટાર ગામેથી ગત 21 નવેમ્બર નારોજ રોજ સાંજના સમયે મધ્યપ્રદેશથી મજુરી માટે આવેલ અને વટાર ગામે ભાડેથી રહેતા પરપ્રાંતીય શ્રમિકો રાજકુમાર સાકેતનું બાળક (ઉ.વ .૧૨ )તથા ગેંડાલાલ પટેલનું બાળક( ઉ.વ .૧૩ )નાઓ ઘરેથી રમવા જઇએ છીએ તેમ કહી ચાલી ગયેલ જે ઘરે પરત નહીં આવતાં તેમના વાલીઓએ પોલીસ ફરિયાદ કરી હતી.

  પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ડીએસપી રાજદીપસિંહ ઝાલા ની સુચના મુજબ ગંભીરતાપુર્વક ગુમ થનાર બાળકોને શોધી કાઢવા બાબતે વલસાડ એલ.સી.બી. ના પોલીસ તથા વાપી ટાઉન  પો.સ્ટે. કર્મચારીઓએ સંકલનમાં રહી પોતાના માધ્યમોથી ગુમ થનાર બાળકો બાબતે ચોકકસ હકિકત મેળવતાં ગુમ થનાર બાળકો અમદાવાદ વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. જેના પગલે પી.આઈ આર.ડી.મકવાણા તથા પો.સ.ઇ. સી.એચ.પનારા તથા પો.સ.ઇ. જી.આઇ.રાઠોડ નાઓની સુચના માર્ગદર્શન મુજબ વલસાડ એલ.સી.બી. સ્ટાફના પો.કો. નિતીન બાબુલાલ તથા પો.કો. યોગેશ કાંતિલાલ તથા વાપી ટાઉન પો.સ્ટે.ના લોકરક્ષક કરમશી પાંચાભાઇ તથા લોકરક્ષક રોહિતભાઇ રાજુભાઈ નાઓએ તુર્ત જ અમદાવાદ ખાતે જઇ તપાસ કરતાં ગુમ થનાર બંને બાળકો નરોડા ઔધોગિક વિસ્તારમાં રખડતાં મળી આવતાં તેઓને કબજામાં લઇ પુછપરછ કરતાં બંને બાળકો ઘરે થી કંટાળીને પુસ્તકોમાં ગુજરાતનો નકશો જોઇ તે આધારે ઘરે જાણ કર્યા વગર ફરવા નીકળી ગયા હતા. તેઓ છુટક છુટક વાહનોમાં બેસી વાપી થી ભરૂચ , ભરૂચ થી વડોદરા અને વડોદરા થી અમદાવાદ ખાતે જઇ રેલ્વે સ્ટેશન ઉપર રાત્રી રોકાણ કરી દિવસ દરમ્યાન અમદાવાદમાં ફરી જમવાનું મેળવી જમતા હતા. પોલીસે બંને બાળકોને વલસાડ ખાતે લઇ આવી વાપી ટાઉન પો.સ્ટે . ખાતેથી તેમના વાલીવારસોને કબજો સોંપ્યો છે. જેના પગલે તેમના પરિવારજનો ખુશ ખુશાલ થઈ ગયા હતા.

(10:45 am IST)