ગુજરાત
News of Wednesday, 4th December 2019

ડીપીએસ ઇસ્ટનું સંચાલન ગુજરાત સરકાર પાસે હશે

૮૦૦ વિદ્યાર્થીઓના હિતમાં સરકારનો નિર્ણય : ધોરણ ૧થી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓ આજ સ્કુલમાં અભ્યાસ કરી શકશે : વાલીઓને અંતે થયેલી મોટી રાહત

અમદાવાદ, તા. ૪ : ડીપીએસ ઇસ્ટના વિવાદનો સિલસિલો જારી છે ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં લઇને ગુજરાત સરકાર દ્વારા આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી વિદ્યાર્થીઓને અને વાલીઓને મોટી રાહત થઇ છે. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાતરી આપતા કહ્યું હતું કે, ધોરણ ૧થી ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ પોતાના ત્યાં જ અભ્યાસ કરી શકશે. ચાલુ સત્ર માટે સંચાલન અને વહીવટ સરકારની પાસે રહેશે. વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં લઇને સરકારે આ નિર્ણય કર્યો છે. નિર્ણયને લઇને વાલીઓમાં રાહત થઇ છે. કારણ કે વાલીઓ આ જ સ્કુલમાં અભ્યાસની માંગ કરી રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદની ડીપીએસ ઇસ્ટના ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં લઇને આજે આ નિર્ણય કર્યો હતો.

                શિક્ષણમંત્રી ચુડાસમાએ આ નિર્ણની માહિતી આપતા કહ્યું હતું કે, શૈક્ષણિક સત્ર સુધી આ શાળાનું સંચાલન રાજ્ય સરકાર કરશે અને ધોરણ ૧થી ૧૨ના જે વિદ્યાર્થીઓ હાલ આ ડીપીએસમાં અભ્યાસ કરે છે તેમને આજ શાળામાં અભ્યાસ કરવા દેવામાં આવશે. રાજ્ય સરકારે ડીપીએસ મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થીઓના વ્યાપક હિતોને ધ્યાનમાં લઇને આ નિર્ણય કર્યો છે. સરકાર સમક્ષ આવેલી રજૂઆતોને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનો નિર્ણય કરાયો હતો. તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રને હંમેશા પ્રાથમિકતા આપી છે અને રાજ્ય શાસનની જનહિત જવાબદારીરુપે આ નિર્ણય કરાયો છે.

(7:57 pm IST)