ગુજરાત
News of Wednesday, 4th December 2019

બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા: ન્યાય માંગવા ગાંધીનગર પહોંચ્યા: આંદોલનને કચડવા વિદ્યાર્થીઓની અટકાયત

વિરોધ પ્રદર્શનથી કચેરીને તાળું મારી દીધું : વિદ્યાર્થીઓને દોડાવી દોડાવીને પકડી લીધા : છાવણી પાસેથી પસાર થનારની પણ અટકાયત

ગાંધીનગર : બિનસચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિના કિસ્સા સીસીટીવી ફૂટેજ સાથે સામે આવ્યા બાદ રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓનો આ આક્રોશ  હાલ ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. બિનસચિવાયલયની પરીક્ષાના કૌભાંડો બહાર આવ્યા બાદ ઉમેદવારો દ્વારા પરીક્ષા કેન્સલ કરવાની માંગ ઉઠી છે. સાથે ઉમેદવારોએ ગાંધીનગર માં ઉગ્ર દેવાખો કરવાની પણ ચીમકી આપે છે. ત્યારે બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનો ગાંધીનગરમાં વિરોધ પર ઉતરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. તો બીજી તરફ, વિરોધ પ્રદર્શનના ડરથી ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીને તાળુ મારી દેવામાં આવ્યું છે.

 બિન સચિવાલય પરીક્ષામાં વિરોધ દર્શાવવા આજે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. પરંતુ ગુજરાતની સંવેદનશીલ સરકારે વિદ્યાર્થીઓના આ આંદોલનને કચડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં વિદ્યાર્થીઓએ પોતાના હક માટે ગાંધીનગર પહોંચ્યા, તો તેઓને દોડાવી દોડાવીને તેઓની અટકાયત કરાઈ હતી. ઉપવાસ છાવણીમાં પકડી પકડીને તેઓને પોલીસની બસમાં બેસાડાયા હતા. ઉપવાસ છાવણી પાસેથી પસાર થતા કોઈપણ વ્યક્તિઓની પોલીસ અટકાયત કરી રહી છે. પોલીસ દ્વારા પૂછપરછ કર્યા પછી કોઈ પણ સંતોષકારક જવાબ ન મળતાં તેને પોલીસની ગાડીમાં બેસીને અટકાયત કરાઈ છે. આ કારણે અનેક કેસોમાં પોલીસ સાથે સીધા સંઘર્ષના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજ્યભરના ઉમેદવારોને ગુજરાત સરકાર દબાવવાનો પ્રયાસ કરી રહી છે.

(12:17 pm IST)