ગુજરાત
News of Wednesday, 4th December 2019

સુરત તક્ષશિલા અગ્નિકાંડ: બે ફાયર ઓફિસર, વીજ કંપનીના એક ઈજનેરના હાઇકોર્ટ દ્વારા જામીન મંજૂર

અન્ય ત્રણ આરોપીઓની જામીન અરજી પરનો ફેંસલો તા.૬ઠી ડિસેમ્બર સુધી અનામત

 

સુરત શહેર માથે કાળી ટીલી સમાન તક્ષશિલા અગ્નિકાંડ કેસમાં આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને રાજ્યની વડી અદાલતે શરતી જામીન ઉપર મુક્ત કર્યા હતા.ફાયર ઓફિસર કીર્તિ મોડ, એસ.કે. આચાર્ય અને વીજ કંપનીના ઇજનેર દીપક નાયકની જામીન અરજી ઉપર હાઇકોર્ટના જસ્ટિસ વી.એમ.પંચોલીએ મંજૂરી આપી છે જયારે  અન્ય ત્રણ આરોપીઓની જામીન અરજી પરનો ફેંસલો આગામી તા.૬ઠી ડિસેમ્બર સુધી અનામત રાખ્યો હતો.

 સુરતમાં 22 આશાસ્પદ યુવાનોનો ભોગ લેનારી તક્ષશિલા હોનારત માટે જવાબદાર લેખાવાયેલા આરોપીઓ પૈકી આરોપીઓની જામીન અરજી ઉપર મંગળવારે જાહેર થનારા નિર્ણયને લઇને ભારે ઉત્તેજના છવાઇ હતી. પાલિકાના ઇજનેર પરાગ મુનશી, વીજ કંપનીના દીપક નાયક, ફાયર ઓફિસર એસ.કે.આચાર્ય અને કીર્તિ મોડ ઉપરાંત બે બિલ્ડરો હરસુખ વેકરીયા તથા રવિન્દ્ર કહારની જામીન અરજી ઉપર બપોર બાદ ફેંસલો જાહેર થયો હતો.

 હાઇકોર્ટ જસ્ટિસ વી.એમ.પંચોલીએ એડવોકેટ દીપક દવે તથા કેતન રેશમવાલાની દલીલો ગ્રાહ્ય રાખી વીજ કંપનીના ઇજનેર દીપક નાયકની જામીન અરજી મંજૂર કરી હતી. પ્રમાણે એડવોકેટ રાજેશ ઠાકરીયા તથા રૂત્વિજ ઓઝા દ્વારા ફાયર ઓફિસર કીર્તિ મોડ માટે થયેલી દલીલોનો પણ હકારાત્મક પડઘો પડયો હતો. કાર્યક્ષેત્ર નહીં હોવા છતાં ઘટના સ્થળે માત્ર સાત મિનિટમાં પહોંચી કામગીરી શરૂ કરી દેનારા ફાયર ઓફિસર મોડની જામીન અરજી ઉપર મંજૂરીની મહોર મારી હતી. તો, એડવોકેટ કિશન દહીયા દ્વારા ફાયર ઓફિસર સંજય આચાર્ય માટે થયેલી દલીલો ગ્રાહ્ય રાખી તેમની જામીન અરજીને પણ બહાલી આપી હતી. ત્રણેય આરોપીઓને શરતી જામીન ઉપર મુક્ત કર્યા હતા.

(10:41 pm IST)