ગુજરાત
News of Tuesday, 4th December 2018

ગુજરાતી હવે લેડી બાઉન્સરો મેદાને

સીદી સમાજની મહિલાઓને મળ્યું એક નવું કામઃ મહિના સુધી અપાઇ ટ્રેનિંગ

ગુજરાતમાં આવેલ સીદી સમાજના મૂળ આફ્રિકાના રહેવાસી હજારો વર્ષો પહેલા અહીં આવીને વસ્યા છે. આજે તેઓ ગુજરાત અને ગુજરાતી સમાજનો એક ભાગ છે. રાજયના મધ્યભાગ અને સિંહનું ઘર એવા ગીરમાં આ પ્રજાતિના સૌથી વધુ લોકો રહે છે. થોડા સમય પહેલા જુદી જુદી સિકયોરિટી એજન્સીઝ દ્વારા સીદી સમાજના પુરુષોને પોતાના સ્ટાફમાં સમાવ્યા બાદ હવે એજન્સીઓ પોતાને આંતરાષ્ટ્રીય સ્તરની એજન્સી જેવો રંગ આપવા માટે સીદી મહિલાઓને પણ સિકયોરિટી ગાર્ડ તરીકે રાખવાનું શરુ કર્યું છે.

પહેલીવાર જૂનાગઢના ગીરમાં આવેલ નાનકડા ગામ જાંભરમાંથી ૧૫ જેટલી સીદી મહિલાઓ અમદાવાદ આવી હતી. અહીં શાહ-એ-આલમ ખાતે યોજાયેલ ભવ્ય લગ્ન સમારંભમાં તેઓ લેડી બાઉન્સર તરીકે કામ કરતી જોવા મળી હતી. આ મહિલાો પોતાના ગામના પુરુષોના પગેલ અહીં પહોંચી હતી જેઓ આજથી ત્રણ વર્ષ પહેલા સિકયુરિટી એજન્સીમાં જોડાયા હતા અને આફ્રિકાથી આવેલ સિકયુરિટી બાઉન્સર જેવો તેમનો રૂતબો હતો.

હસિનાબેન ચોવાટ, ૧૮ વર્ષના યુવાનની માતા કે જે અમદાવાદમાં મહિલા બાઉન્સર તરીકે આવેલ ૧૫ મહિલાઓ પૈકી એક છે. તેમણે કહ્યુંકે, 'હું પહેલીવાર અમદાવાદ આવી. અહીં મને એક દિવસના સિકયુરિટી વર્કના રૂ. ૩૦૦૦ મળ્યા જે મારા ગામમાં દહાડી પર કામ કરવા માટે આખા મહિનાના મળે છે. આ કામ માટે હું અહીં આવી તેનું કારણ છે કે મારો પરિવાર મને આ માટે સપોર્ટ કરે છે. અમારે ચાર બાળકો છે. આ નોકરીથી અમે વધુ રુપિયા કમાઈ શકીશું.

સ્થાનિક માર્કેટ અને ખેતરમાં રોજમદારી પર કામ કરતી મહિલાઓને પ્રાઇવેટ ફંકશનમાં સિકયોરિટી આપવા માટે ખાસ ટ્રેઇન કરવામાં આવી છે. આવી જ એક સિકયોરિટી કંપનીના યાસિન મલિકે કહ્યું કે, 'આ મહિલાઓને ક્રાઉડ મેનેજમેન્ટ અને જનરલ ડિસિપ્લિનની ટ્રેનિંગ આપવા માટે ૩ મહિના જેટલો સમય લાગ્યો હતો.' આ એજન્સીમાં પાર્ટનર તરાના સૈયદે કહ્યું કે, ''આ મહિલાઓને સૌથી ખાસ ટ્રેનિંગ તો ઈંગ્લિશની દેવામાં વાર લાગી છે. તેમને ખાસ સમજાવાયા છે કે ફંકશનમાં જરા પણ ગુજરાતીમાં બોલવાનું નથી કેમ કે તેઓ ખાસ આફ્રિકાથી સિકયોરિટી માટે આવ્યા હોવાનું કહેવાય ત્યારે પ્રસંગમાં આવતા મહેમાનો સામે તેઓ ગુજરાતી નથી તે ગુપ્તતા જાળવવી ખૂબ જ અગત્યની છે. આ માટે તેમને ફકત ત્રણ જ શબ્દો બોલવાનું શીખવાડ્યું છે. થેંકયુ, સોરી અને ઓકે આનાથી વિશેષ કોઇ કંઈપણ પૂછે તો તેમણે તરત જ કોર્ડિનેટરને તરફ આંગળી ચીંધી દેવાની.'' ફંકશનમાં તેમની હાજરીથી એક એલિમેન્ટ ઓફ સરપ્રાઇઝ રહે છે.

(3:58 pm IST)