ગુજરાત
News of Monday, 4th November 2019

ગુન્હાખોરીનો ખાત્મો બોલાવવા પોલીસ સાથે પ્રજાનો પણ સાથ જરૂરીઃ આશીષ ભાટીયા

હિંમત પૂર્વક લુંટારૂઓનો પીછો કરનાર યુવાનનું પોલીસ કમિશ્નર દ્વારા બહુમાન

હિંમતપૂર્વક લુંટારૂઓનો સામનો કરનાર યુવાનનું બહુમાન કરતા અમદાવાદના પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા તસ્વીરમાં દ્રષ્ટિગોચર થાય છે.

રાજકોટ, તા., ૪:  અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર તરીકે આશીષ ભાટીયાએ  ચાર્જ સંભાળતાની સાથે જ પોલીસ તંત્રને  દોડતુ કરવા સાથે લોકોને પણ સાથ આપવા કરેલી અપીલ રંગ લાવી છે. અમદાવાદના એક હિંમતવાન યુવકે પોતાનો મોબાઇલ લુંટી રીક્ષામાં નાસેલા શખ્સોનો પીછો કરી  જીવના જોખમે પાછળ દોડી રીક્ષામાં ચઢી જઇ રીક્ષા પલ્ટાઇ ગઇ ત્યાં સુધી હિંમત ન હારનાર સંતોષકુમાર દાસને આશીષ ભાટીયાએ પોતાની ચેમ્બરમાં બોલાવી વિશિષ્ટ સન્માન કરવા સાથે સન્માનપત્ર અર્પણ કર્યુ હતું.

તેઓએ આ પ્રસંગમાંથી બોધ લઇ પોલીસ અધિકારીઓ અને પ્રજાજનોને આજ રીતે  હિંમત દાખવી સહકાર આપવા અપીલ કરવા સાથે કોઇ પણ સંજોગોમાં ગુન્હેગારોનો મુકાબલો કરવામાં પોતે પોલીસ અને પ્રજાની સાથે રહેશે તેવી ખાતરી આપી હતી.

અત્રે યાદ રહે કે અમદાવાદમાં સુરેલ ટાવર પાસેથી પસાર થઇ રહેલા સંતોષકુમાર દાસના નામના યુવાનનો મોબાઇલ ફોન ઓટો રીક્ષામાં આવેલ બે યુવાનોએ લુંટી લઇ  રીક્ષા દોડાવી મુકી હતી. સંતોષકુમાર  પાછળ દોડી અને રીક્ષામાં ચડી જઇ રીક્ષાનું હેન્ડલ પકડી રાખેલ. ચાલુ રીક્ષાએ ધબધબાટી બોલતા રીક્ષા ઉંધી વળી ગઇ હતી. ફરીયાદી ઇજાગ્રસ્ત થવા છતા રિક્ષાચાલકને પકડવા માટે તેનો કાઠલો પકડયો પરંતુ ફરીયાદી ઘાયલ થતા બે શખ્સો ફરાર થઇ ગયા હતા. પોલીસ રીક્ષા નંબરના આધારે એ શખ્સોને શોધવા સતત દોડધામ કરી રહી છે.

(12:29 pm IST)