ગુજરાત
News of Friday, 4th October 2019

આધુનિક સમયમાં બાળકોની ફિટનેસ અતિ જરૂરી બની ગઈ

અંજલી બેન રૂપાણી દ્વારા હેપ્પી સ્ફીયરનું ઉદ્ઘાટન : તમન્ના શાહ, માનસી પરીખ, મેશ્વા પટેલ દ્વારા બાળકોનાં ફિટનેસ સેન્ટરનો પ્રારંભ : બધી સુવિધા એક સ્થળ ઉપર

અમદાવાદ,તા. ૪: બાળકો માટે અલગ જ પ્રકારના ફિટનેસ સેન્ટરનો પ્રારંભ શહેરની મહિલા ત્રિપુટી દ્વારા કરવામાં આવ્યો છે. આજે મહિલા અગ્રણી અંજલીબેન રૂપાણીએ શહેરના રાજપથ-રંગોલી રોડ સ્થિત મોન્ડેલ રિટેલ પાર્ક ખાતે અલગ જ પ્રકારના બાળકોના ફિટનેસ સેન્ટર 'હેપ્પી સ્ફીયર ' નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે વાતચીત કરતા અંજલીબેને જણાવ્યું હતું કે, આજકાલ બાળકો મોબાઇલ ફોનમાં વધુ રસ લેતા જોવા મળે છે. બાળકોમાં શારિરીક-માનસિક ક્ષમતા વધી શકે તે માટે આ ફિટનેસ સેન્ટરનો પ્રારંભ કરવા બદલ તમન્ના શાહ, માનસી પરીખ અને મેશ્વા પટેલને અભિનંદન આપું છું. આપણી સંસ્કૃતિમાં કહયું છીએ અને માનીએ પણ છીએ કે, 'શરીર માધ્યમં ખલુ ધર્મ સાધનમ્' શરીર સારું હશે તો મન પણ તંદુરસ્ત રહેશે. આધુનિક સમયમાં બાળકોની ફિટનેસ જરૂરી બની છે તમન્ના શાહ, માનસી પરીખ અને મેશ્વા પટેલે જણાવ્યું હતું કે, બાળકો માટે પ્રથમવાર આ પ્રકારનું ફિટનેસ સેન્ટર શરૂ થઇ રહયું છે. બાળકોના ફિટનેસ માટેની તમામ સુવિધા એક જ સ્થળે પ્રાપ્ય થશે. ફન અને ફીટનેસ અમારો મંત્ર છે. એકથી આઠ વર્ષના બાળકો માટે ફિટનેસ સેન્ટરમાં જરૂરી સુવિધા પુરી પાડવામાં આવશે જેમ કે યોગા, મ્યુઝિક થેરાપી, માઇન્ડ ગેમ, જીમ્નેસ્ટીકનો તેમાં સમાવેશ થાય છે. આ ક્ષેત્રની તાલીમ પામેલી નિષ્ણાંત મહિલાઓ-યુવતિઓ દ્વારા બાળકોને તાલીમ આપવામાં આવશે. ફિટનેસ સેન્ટરમાં ત્રણ મહિનાના પેકેજનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે શહેરના વિવિધ ક્ષેત્રોના મહિલા અગ્રણી, મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

(10:10 pm IST)