ગુજરાત
News of Friday, 4th October 2019

દાણાપીઠ ફાયર સ્ટેશનની ઈમારત અંતે જમીન દોસ્ત

ખાસ ટેકનીકથી બિલ્ડીંગને ૩૪ સેકન્ડોમાં તોડાઈ : આસપાસના કોઈ બિલ્ડિંગો અથવા દુકાનોને અસર નહી

અમદાવાદ,તા. ૪: શહેરના ગોળલીમડા પાસે મ્યુનિસિપલ દાણાપીઠ ખાતે આવેલી ફાયર સ્ટેશન અને ક્વાર્ટર્સનું ૧૦૦ વર્ષ જૂનું બિલ્ડિંગ ગુરૂવારે એસ્ટેટ વિભાગે જમીનદોસ્ત કર્યું હતું. બિલ્ડિંગના કંપાઉન્ડમાં જગ્યા હોવાથી જેસીબીના ઉપયોગ વગર હિટાચી મશીનની આગળ બ્રેકર લગાવી બિલ્ડિંગના કોલમને ૬૦ ટકા જેટલા તોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ મશીન ત્યાંથી ખસેડી લેવાયું હતું. માત્ર ૩૪ સેકન્ડમાં જ ચાર માળનું આખું બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ ગયું હતું. આ ટેકનીકના ઉપયોગથી અત્યંત ભરચક વિસ્તાર હોવા છતાં આસપાસના એકપણ બિલ્ડિંગ કે દુકાનોને તેની અસર થઈ ન હતી. જો કે, તકેદારીના ભાગરૂપે ગુરુવારે સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી વાહનો માટે અવર-જવર બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ સો વર્ષ જૂના અને ચાર માળના પુરાણા આ બિલ્ડીંગને ખાસ ટેકનીકથી તોડવામાં આવ્યું હતંુ, જે પત્તાના મહેલની જેમ બેસી જતાં ભારે સફળતાપૂર્વક બિલ્ડીંગ તોડવામાં આવ્યું હતું. બિલ્ડીંગ એટલું સાવચેતીપૂર્વક અને સાવધાનીપૂર્વક તોડવામાં આવ્યું હતું કે, બિલ્ડીંગ તૂટવાથી આસપાસના મકાનો કે દુકાનોને અસર સુધ્ધાં થઇ ન હતી. હવે આ જગ્યાએ મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવાની મ્યુનિસિપલ કોર્પોરેશને યોજના બનાવી છે. શહેરમાં પાર્કિંગની સમસ્યા હલ કરવાના ભાગરૂપે મલ્ટિસ્ટોરીડ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન કરાયુ છે.

(10:06 pm IST)