ગુજરાત
News of Friday, 4th October 2019

વડોદરા જિલ્લા પંચાયતમાં ઇલાબેન ચૌહાણ પ્રમુખપદે

ભાજપના ટેકાથી ઇલાબેન ચૌહાણને ૨૬ મત : કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપીને ભાજપે વડોદરાની જિલ્લા પંચાયતની સત્તા પણ કોંગ્રેસ પાર્ટી પાસેથી આંચકી

અમદાવાદ, તા.૪:       વડોદરાના જિલ્લા પંચાયતની પ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપના ટેકાથી કોંગ્રેસના બળવાખોર ઉમેદવાર ઇલાબેન ચૌહાણનો વિજય થયો છે. ભાજપના ટેકાથી ઉમેદવાર બનેલા ઇલાબેન ચૌહાણને ૨૬ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નીલાબેન ઉપાધ્યાયને માત્ર ૧૦ મત જ મળ્યા હતા. આમ વડોદરા જિલ્લા પંયાયતમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. બીજીબાજુ, ભાજપ સત્તામાં આવતાની સાથે જ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખની ચેમ્બરમાં સોનિયા ગાંધી સહિતના કોંગ્રેસના મહાનુભાવોના ફોટા તાત્કાલિક ધોરણે ઉતારી તેના સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ભાજપના મહાનુભાવોના ફોટા લગાવી દેવાતાં કોંગ્રેસના મુબારક પટેલ ભારે નારાજગી વ્યકત કરી હતી અને જણાવ્યું હતું કે, સત્તામાં નશામાં ભાન ભૂલેલા ભાજપના સભ્યોએ આ પ્રકારનું અપમાનજનક વર્તન કરવુ જોઇએ નહી. કોઇપણ પદ કે મહાનુભાવોની ગરિમા જાળવવી એ જ આપણી સંસ્કૃતિ છે પરંતુ ભાજપના સભ્યો સત્તાના નશામાં આ વાતનું ભાન ભૂલ્યા છે. આ અગાઉ વડોદરા જિલ્લા પંચાયતમાં આજે બપોરે ૧૨-૦૦ વાગે ખાસ સામાન્ય સભા બોલાવીને મહિલા પ્રમુખ પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષ સત્તા ટકાવી રાખવા જોર મારી રહ્યું હતું. પરંતુ ભાજપે બળવાખોર સભ્યો સાથે મળીને જિલ્લા પંચાયતમાં સત્તા આંચકી લીધી હતી. ભાજપ સમર્થિત ઇલાબેન ચોહાણને ૨૬ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના નીલાબેન ઉપાધ્યાયને ૧૦ મત મળ્યા હતા. જેથી ઇલાબેન ચૌહાણનો પ્રમુખ પદે વિજય થયો હતો. આ પહેલાં વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પન્નાબહેન ભટ્ટના પતિ દિલીપ ભટ્ટના એકહથ્થુ શાસનથી કોંગ્રેસના સભ્યોમાં નારાજગી વધી ગઇ હતી. આ સાથે તેઓ સભ્યો સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કરતા હોવાના કોંગ્રેસ સભ્યો નારાજ થયા હતા. જેથી વડોદરા જિલ્લા પંચાયતમાં મહિલા પ્રમુખ સામે થયેલા બળવાને કારણે કોંગ્રેસના અસંતુષ્ઠ અને ભાજપના કુલ ૩૦ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તના સમર્થનમાં વોટિંગ કરતા પન્નાબહેન ભટ્ટને પ્રમુખ પદ છોડવું પડ્યું હતું. જેથી પ્રમુખ પદની ચૂંટણી યોજવી પડી હતી.

જેમાં કોંગ્રેસને પરાસ્ત કરીને ભાજપ સત્તામાં આવતાં સ્થાનિક રાજકારણ ફરી એકવાર ગરમાયુ હતું.

(10:03 pm IST)