ગુજરાત
News of Friday, 4th October 2019

પંચમહાલ જિલ્લામાં મકાઇના જાહેર કરાયેલા ટેકાના ભાવથી ખેડૂતોમાં રોષઃ આ ભાવ પોસાય તેમ નથી

અમદાવાદ :મગફળીને ટેકાના ભાવે ખરીદવાની પ્રોસેસ બાદ હવે ગુજરાત સરકારે અન્ય ખેત પાક પણ ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા ડાંગર, મકાઈ અને બાજરી પણ ટેકાના ભાવે ખરીદવામાં આવશે. ત્યારે સરકારે ત્રણેય અનાજના ટેકાના ભાવ પણ જાહેર કર્યાં છે. ત્યારે ખેડૂતોમાં આ જાહેરાતથી ક્યાંક ખુશી તો ક્યાંકનો ગમનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક ખેડૂતોએ કહ્યું હતું કે, કેટલાક ખેડૂતોએ કહ્યું હતું કે, સરકાર દ્વારા મકાઈના જાહેર કરવામાં આવેલ ટેકાના ભાવ પોસાય તેમ નથી.

ગઈકાલે ટેકાના ભાવ જાહેર કરાયા

ગઈકાલે રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ જાહેરાત કરી હતી કે, રાજ્યમાં ઓક્ટોબરથી વધુ ત્રણ જણસીની ટેકાના ભાવે ખરીદી કરાશે. જેમાં ડાંગરનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 1835 દીઠ 92 ખરીદ કેન્દ્રો ઉપરથી ડાંગરની ખરીદી થશે. મકાઈનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 1760 રૂપિયા રાખવામાં આવ્યો છે, જેની 61 સેન્ટર ઉપર ખરીદી થશે. તો બાજરીના ભાવ પ્રતિ ક્વિન્ટલ 2000 રૂપિયા રાખવામાં આવ્યા છે. જેની 57 સેન્ટર પરથી ખરીદી કરાશે. આ ખરીદી 16 ઑક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ખરીદી પ્રક્રિયા થશે.

પંચમહાલના ખેડૂતોએ શું કહ્યું...

પંચમહાલનો મુખ્ય પાક મકાઈ ગણવામાં આવે છે, ત્યારે સરકાર દ્વારા મકાઈનો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. પંચમહાલના ખેડૂતોના મતે, મકાઈના પાક કરવામાં મોંઘા ભાવના બિયારણ અને ખાતર દવા કરવા છતાં ભૂંડનો ખૂબ જ ત્રાસ હોય છે. જેથી કરેલા ખર્ચના પ્રમાણમાં ઉત્પાદન થતું નથી. તો બીજી તરફ, આ વખતે સતત વરસાદને લઈને પણ મકાઈના પાકમાં ભારે નુકશાન થયું છે. તેથી સરકાર દ્વારા મકાઈના જાહેર કરવામાં આવેલ ટેકાના ભાવ પોસાય તેમ નથી. વેપારી માર્કેટમાં 450 રૂપિયાના ભાવે મકાઈ વેચે છે. જ્યારે કે, સરકાર ખેડૂતો પાસે 352 રૂપિયા ભાવે મકાઈ ખરીદે તો ખેડૂતોને પોસાય તેમ નથી. પંચમહાલના ખડૂતો માંગણી કરી રહ્યા છે કે મકાઈના ટેકાના ભાવ વધારી 450 થી 500 રૂપિયા કરવામાં આવે.

વરસાદી નુકશાન સામે સરકાર ખેડૂતોને મદદ કરશે

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં લીલા દુષ્કાળની ભીતિને સરકારે નકારી છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા પ્રમાણે રાજ્યમાં કોઈ ખેડૂતે લીલા દુષ્કાળના કારણે આત્મહત્યા કરી નથી. રાજ્યમાં વરસાદ ચોક્કસ વધુ થયો છે, પણ સાથે જ વાવેતર પણ વધ્યું છે. રાજ્યમાં આજથી વરસાદે વિરામ લીધો છે અને ઉઘાડ પણ નીકળ્યો છે. એટલે હવે સાચી સ્થિતિ ખ્યાલ આવશે. રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં સરવે કરાવવાનો નિર્ણય લીધો છે અને જ્યાં પણ અસર હશે ત્યાં ખેડૂતોને કેન્દ્ર સરકારના નિયમો પ્રમાણે મદદ કરાશે. રાજ્ય સરકાર ખેડુતોની સાથે છે અને તેમને મદદ કરશે તેવો દાવો પણ નાયબ મુખ્યમંત્રીએ કર્યો હતો.

(5:14 pm IST)